પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈએ. ન્યાય અને સત્યને ધોરણે તો હંમેશાં એ જ અર્થ ખરો હોય. મારા કહેવાનો મેં મારા મનમાં ગમે તેવો અર્થ રાખેલો હોય છતાં તેની જે છાપ વાંચનાર અથવા સાંભળનારના મન ઉપર પડતી હોય તે જ અર્થમાં મેં મારું વચન કે લખાણ કહ્યું કે લખ્યું એમ મારે તેઓના પ્રત્યે કબૂલ રાખવું જ જોઈએ. આ સોનેરી નિયમનું પાલન આપણે વ્યવહારમાં ઘણી વખત નથી કરતા, તેથી જ ઘણી તકરારો થાય છે અને સત્યને નામે અર્ધું સત્ય – એટલે ખરું જોતાં દોઢ અસત્ય – ઉપયોગમાં લેવાય છે. આમ જયારે સત્યની – એટલે અહીં જનરલ બોથાની – પૂરી જીત થઈ ત્યારે તેઓ કામે વળગ્યા અને પરિણામે બધી સંસ્થાઓ એકત્ર થઈ અને દક્ષિણ આફ્રિકાને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. વાવટો યુનિયન જેક છે, નકશામાં એ પ્રદેશનો રંગ લાલ છે, છતાં દક્ષિણ આફ્રિકા સંપૂર્ણ રીતે સ્વતંત્ર જ છે એમ માનવામાં કશી અતિશયતા નથી. એક પાઈ પણ બ્રિટિશ સલ્તનત દક્ષિણ આફ્રિકાના કાર્યકર્તાઓની સંમતિ વિના દક્ષિણ આફ્રિકામાંથી લઈ ન શકે. એટલું જ નહીં પણ બ્રિટિશ પ્રધાનોએ કબૂલ કર્યું છે કે જો દક્ષિણ આફ્રિકા બ્રિટિશ વાવટો કાઢી નાખવા ઈચ્છે અને નામથી પણ સ્વતંત્ર થવા ઈચ્છે તો તેને કોઈ રોકી શકે એમ નથી. અને જો આજે દક્ષિણ આફ્રિકાના ગોરાઓએ એ પગલું નથી ભર્યું તો તેનું સબળ કારણ છે. એક તો એ કે બોઅર પ્રજાના આગેવાનો ચાલાક અને સમજુ છે. બ્રિટિશ સલ્તનતની સાથે જેમાં પોતાને કાંઈ પણ ખોવાનું નથી એવી જાતનું સહિયારું અથવા એવી જાતનો સંબંધ તે રાખે તો કંઈ અયોગ્ય નથી. પણ એ ઉપરાંત બીજું વ્યાવહારિક કારણ પણ છે, અને તે એ કે નાતાલમાં અંગ્રેજોની સંખ્યા વધારે છે, કેપ કૉલોનીમાં અંગ્રેજોની સંખ્યા ઘણી છે જોકે બોઅર કરતાં વધારે નથી, અને જોહાનિસબર્ગમાં કેવળ અંગ્રેજી અસર જ છે. તેથી બોઅર કોમ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય આખા દક્ષિણ આફ્રિકામાં સ્થાપવાને ઈચ્છે તો ઘરમાં જ તકરાર દાખલ કરવા જેવું થાય અને કદાચ માંહોમાંહ લડાઈ પણ જાગે. તેથી દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સંસ્થાન ગણાય છે.