પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

- એની કહાણી તો આ નાના પુસ્તકમાં લખાય જ નહીં.

આ મજૂરો એગ્રીમેન્ટમાં ગયેલા મજૂરોને નામે નાતાલમાં ઓળખાય છે તે ઉપરથી મજૂરો પોતાને ગિરમીટિયા તરીકે ગણાવવા લાગ્યા. તેથી હવે એગ્રીમેન્ટને આપણે ગિરમીટને નામે ઓળખીશું અને તેમાં ગયેલા મજૂરોને ગિરમીટિયાને નામે ઓળખીશું.

જ્યારે નાતાલમાં ગિરમીટિયા ગયા છે એવી ખબર મોરીશિયસમાં ફેલાઈ ત્યારે એવી જાતના મજૂરોની સાથે સંબંધ રાખતા હિંદી વેપારીઓ નાતાલ જવા લલચાયા. મોરીશિયસ નાતાલ અને હિંદુસ્તાનની વચ્ચે છે. મોરીશિયસના ટાપુમાં હજારો હિંદીઓ વસે છે; મજૂરો અને વેપારી. તેઓમાંના એક વેપારી મરહૂમ અબુબકર આમદે નાતાલમાં પોતાની પેઢી રાખવાનો ઈરાદો કર્યો. એ વખતે નાતાલના અંગ્રેજોને પણ હિંદી વેપારીઓ શું કરી શકે તેનું ભાન ન હતું, દરકાર પણ ન હતી. તેઓ ગિરમીટિયાની મદદથી શેરડી, ચા, કૉફી વગેરેનો ઘણો નફાકારક પાક ઉગાડી શકયા, શેરડીની ખાંડ બનાવી અને દક્ષિણ આફ્રિકાને આશ્ચર્ય પમાડે એટલી ટૂંકી મુદતમાં થોડા થોડા પ્રમાણમાં આ ત્રણે વસ્તુ પૂરી પાડવા લાગ્યા. પોતાની કમાણીમાંથી તેઓએ મહલ બનાવ્યા અને જંગલમાં મંગલ કરી બેઠા. એવે સમયે શેઠ અબુબકર જેવો એક સરસ સાદો અને બાહોશ વેપારી વચમાં આવી વસે તે તેઓને ન ખૂચે ? વળી એમની સાથે તો એક અંગ્રેજ પણ જોડાયો ! અબુબકર શેઠે વેપાર ચલાવ્યો, જમીન ખરીદી અને તેની સારી કમાણીની અફવા તેમના વતન પોરબંદર અને તેની આસપાસનાં ગામોમાં ફેલાઈ, એટલે બીજા મેમણ નાતાલ પહોંચ્યા. તેમની પાછળ સુરત તરફના વહોરાઓ પણ પહોંચ્યા. તેઓને મહેતાઓ તો જોઈએ જ. તેથી ગુજરાત કાઠિયાવાડના હિંદુ મહિતાઓ પણ ગયા. આમ નાતાલમાં બે વર્ગના હિંદીઓ થયા : (૧) સ્વતંત્ર વેપારી અને તેનો સ્વતંત્ર નોકરવર્ગ, અને (ર) ગિરમીટિયા કાળે કરીને ગિરમીટિયાઓની પ્રજા થઈ. ગિરમીટના કાયદા પ્રમાણે આ પ્રજા પણ જોકે મજૂરી કરવા તો બંધાયેલી નહીં, છતાં એ કાયદાની કેટલીક આકરી કલમો નીચે તો રહી જ ગુલામીનો ડામ ગુલામની પ્રજાને લાગ્યા વિના કેમ રહે ? આ ગિરમીટિયા પાંચ વરસના કરારથી