પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતું. તેમાંના સૌથી વધારે જાણીતા અને વિદ્વાન એ મિ. મેરીમેન છે, જે દક્ષિણ આફ્રિકાના ગ્લૅડસ્ટન ગણાતા, કેપ કોલોનીમાં પ્રધાન પણ હતા. બીજું, મિ. મેરીમેન[૧] જેટલો જ નહીં તો તેનાથી બીજા દરજજે ભોગવનાર આખું શ્રાઈનર કુટુંબ અને તેવું જ મોલ્ડીનોનું[૨] કુટુંબ. શ્રાઈનર કુટુંબમાં કાયદાના પ્રખ્યાત હિમાયતી મિ. ડબલ્યુ. પી. શ્રાઈનર થઈ ગયા. કેપ કૉલોનીના પ્રધાનમંડળમાં પણ એક વખત હતા. તેમની બહેન અૉલિવ શ્રાઈનર એ દક્ષિણ આફ્રિકાની લોકપ્રિય અને જયાં જયાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં પ્રખ્યાત થયેલાં વિદુષી બાઈ હતાં. મનુષ્યમાત્ર પરનો તેનો પ્રેમ અનહદ હતો. તેની આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમનો ઝરો જ ઝરતો હોય. એ બાઈએ તેનું 'ડ્રીમ્સ' નામનું પુસ્તક લખ્યું ત્યારથી તે 'ડ્રીમ્સ'ની લેખિકાને નામે ઓળખાઈ. એની સાદાઈ એટલી બધી હતી કે પોતે નામાંકિત કુટુંબની અને વિદુષી હોવા છતાં ઘરમાં વાસણ સુધ્ધાં પોતે જ સાફ કરતી. મિ. મેરીમેન અને આ બે કુટુંબોએ હમેશાં હબસીઓનો પક્ષ લીધેલો, અને જ્યારે જ્યારે તેઓના હક ઉપર ચડાઈ થતી ત્યારે તેઓ તેમની સખત હિમાયત કરતાં. એ તેમનો પ્રેમ હિંદી તરફ પણ વળતો, જોકે તેમાંનાં બધાં બંને વચ્ચે ભેદ કરતાં. તેઓની દલીલ એ હતી કે હબસીઓ દક્ષિણ આફ્રિકાના ગોરાઓના આવવા પહેલાંના વતનીઓ હોઈને તેઓનો સ્વાભાવિક હક ગોરાઓથી છીનવી નહીં શકાય. પણ હિંદી નિવાસીઓને વિશે ન્યાયપૂર્વક તેઓની હરીફાઈનો ભય ટાળવાની ખાતર કંઈ કાયદાઓ ઘડાય તો એ કેવળ અન્યાયી નહીં ગણાય. એમ છતાં તેઓની લાગણી તો હમેશાં હિંદીઓની પ્રત્યે રહેતી. મરહૂમ ગોપાળ કૃષ્ણ ગોખલે જયારે દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યારે તેમના માનમાં ભરાયેલી

  1. મિ. મેરીમેનની વધુ પિછાન : કેપ કોલોનીને ૧૮૭૨માં જવાબદાર રાજતંત્ર મળ્યું ત્યારથી તે ત્યાંના દરેક પ્રધાનમંડળમાં સભ્ય હતા અને ૧૯૧૦માં દક્ષિણ આફ્રિકાનું યુનિયન સ્થપાયું તે વેળાના છેલ્લા પ્રધાનમંડળના પ્રમુખ હતા.
  2. સર જોન મોલ્ટીનો સન ૧૮૭રના પ્રથમ પ્રધાનમંડળના પ્રમુખ હતા.