પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સિપાઈઓ અને અમલદારોને ઊંચકી જવાના. રસ્તામાં તેઓને દવા દેવી, કૂચ સવારે આઠ વાગ્યે શરૂ થાય અને સાંજના પાંચ વાગ્યે તો મથક ઉપર પહોંચવાનું આ ઘણું આકરું કામ ગણાય. એક જ દિવસમાં પચીસ માઈલનો પંથ ઘાયલને ઊંચકીને કરવાનું તો એક જ વખત આવેલું. વળી અારંભમાં હાર ઉપર હાર થતી ગઈ અને જખમીઓ ઘણા વધી પડયા તેથી ગોળાની હદમાં અમને નહીં લઈ જવાનો વિચાર પણ અમલદારોને માંડી વાળવો પડ્યો હતો. પણ મારે એટલું જણાવવું જોઈએ કે જ્યારે એવો પ્રસંગ આવ્યો ત્યારે અમને કહી દેવામાં આવ્યું હતું કે, 'તમારી સાથેની શરત પ્રમાણે તમારા ઉપર ગોળા પડે એવા જોખમમાં તમને મૂકવા નથી, તેથી જો તમે એ જોખમમાં પડવા ઈચ્છો તો તમને તેવી ફરજ પાડવાનો જનરલ બુલરનો મુદ્દલ વિચાર નથી. પણ જો તમે એ જોખમ ઉપાડો તો સરકાર જરૂર તમારો ઉપકાર માનશે.' અમે તો જોખમ ઉપાડવા ઈચ્છતા જ હતા, બહાર રહેવું એ અમને ગમેલું જ નહીં, તેથી આ પ્રસંગને બધાએ વધાવી લીધો. કોઈની ઉપર ગોળીના ઘા નહીં થયેલા તેમ કોઈને બીજી રીતે પણ ઈજા નહોતી થઈ.

આ ટુકડીના રસિક અનુભવો તો ઘણા છે, પણ તે બધા આપવાની આ જગા નથી. પણ એટલું કહેવું જોઈએ કે જેમાં અણઘડ મનાતા ગિરમીટિયા પણ હતા એવી આ આપણી ટુકડીને યુરોપિયનની તાત્કાલિક ટુકડીના તેમ જ કાળા લશ્કરના ગોરા સિપાઈઓના પ્રસંગમાં અનેક વાર આવવું પડતું, છતાં અમને કોઈને એમ નહીં લાગ્યું કે ગોરાઓ અમારી સાથે અતડાઈથી વર્તતા હતા અથવા તિરસ્કાર બતાવતા હતા. ગોરાઓની તાત્કાલિક ટુકડીમાં તો દક્ષિણ આફ્રિકામાં વસેલા ગોરાઓ જ હતા. તેઓ લડાઈ પહેલાં હિંદીવિરોધી હિલચાલમાં ભાગ લેનારા હતા. પણ આ આપત્તિના પ્રસંગે હિંદીઓ પોતાના અંગત દુ:ખ ભૂલીને મદદ કરવા નીકળ્યા છે એ જ્ઞાને અને એ દૃશ્યે તેમનાં હૃદય પણ એ ક્ષણે તો પિગળાવી દીધાં હતાં. જનરલ બુલરના લખાણમાં અમારા કામની તારીફ હતી એ પાછળ કહેવાઈ