પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



2

મેરિયો શિકારી

હાડની ટેકરી પરથી પાવો અને ઢોલ વગડ્યા. એ ઢોલ અને એ પાવો પોતાની મઢીએ ઊભો ઊભો મેરિયો પિયાનેતી બજાવતો હતો. ગામલોકો સમજી ગયા કે આજ મેરિયો આપણને ગોઠ ખાવા બોલાવે છે. લૅરખડા અને ગુલાબી જિગરના એ જુવાન શિકારીની ઉજાણી જમવા જુવાન, વૃદ્ધ તેમ જ પરણેલીઓ અને કુમારિકાઓ દોટમદોટ નાચતાં-કૂદતાં ટેકરીએ પહોંચી જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર પાથરીને મેરિયો સહુની વાટ જોતો ઊભો રહેતો, એકલા-એકલાં ઉજાણી જમવી એને ભાવતી જ નહિ.

વીસ જ વર્ષનો એ ફાંકડો જુવાન હતો. ઇટલી અને સ્વિત્ઝર્ર્લૅન્ડ નામના બે દેશોને સીમાડે પડેલા આલ્સ પર્વતની અભેદ્ય કરાડો ઉપર ખંભે બે-જોટાળી બંદૂક નાખીને કોઈ કાળિયારની માફક મેરિયો હડીઓ કાઢતો, અને એની ગરુડ જેવી તીણી આંખો ભૂખરા રંગનાં પહાડી સાબરોને ઢૂંઢતી. ભલભલા શિકારીઓ આખો દિવસ ભટકતા તોપણ આ પવનવેગી જાનવરો ઝપટમાં આવતાં નહોતાં, પણ મેરિયોની દોટ અને નિશાનબાજી કોઈ અજબ ભાતની હતી. ખરી વાત છે કે ડુંગરમાળ ઉપર દોડતાં સાબરડાંની લગોલગ પહોંચીને ઝપટભેર ભડાકો કર્યા વિના જાનવર પડે તેમ નહોતું, ને એક વારનો ગોળીબાર ખાલી ગયા પછી તો શિકારીને હાથ ધોઈ નાખવા પડતા, કેમ કે પહાડના ઊંચાણમાં પશુની અને પોતાની વચ્ચેનું અંતર માપવામાં નજર સહેજે છેતરાઈ જતી અને પછી તો એક ભડાકાના સોગણા પડછંદા ખીણેખીણને તેમ જ ટૂકેટૂકને એટલા તો ગુંજાવી મેલતા કે આસપાસ વીસવીસ ગાઉની સીમમાંથી તમામ પશુઓ પોબારા ગણી જતાં.

છતાં મેરિયોનો ભડાકો તો સદાનો અફર. એની ગલોલી તો બંદૂકની નાળીમાંથી છૂટી કે એકાદને ચોંટી જ સમજવી. બિલ્લીપગાં પેતરાં ભરીને દોટ કાઢતો એ છેક પશુની લગોલગ જઈને નિશાન લેતો, અને સાંજ પડે ત્યારે એકદા જાનવરને કાંધ પર નાખીને જ નીચે ઊતરતો. પણ પોતાનો શિકાર એ કદાપિ વેચતો નહિ. પૈસાની એને લાલસા નહોતી. ગરીબ ગામડિયાં ભાંડુઓને તેડાવી મહેફિલ ઉડાવવામાં જ એને મૉજ હતી. અનંત લાંબી ઝાડીઓ અને ડુંગરાઓમાં દિવસ - રાત એકલવાયા ઘુમાઘૂમ કરીને એ નાણાં નહોતો રળી શક્યો, પણ લઠ્ઠ, પેશીદાર હાથપગની ગુલાબી તંદુરસ્તીરૂપી અમૂલખ કમાણી એણે કામી હતી. આ એકલવાયા રઝળપાટની અંદર પહાડની અબોલ ગાંડી કુદરતે આ જુવાનની પ્રકૃતિમાં એક રમ્ય અને ઘોર તત્ત્વજ્ઞાન પણ વણી દીધું હતું.

432
બહારવટિયા-કથાઓ