પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શરીર ઢગલો થઈ ગયું. ધીરે ધીરે એ દેવળનાં પગથિયાં લોહીથી ભીંજાવા લાગ્યાં.

શબની સામે નિગાહ પણ કર્યા વગર મેરિયો નેગ્રીને ઘરે પહોંચ્યો. એક શબ્દ પણ બગાડ્યા વગર એને ઠાર કર્યો.

ત્રીજી મલાકાત મ્યુનિસિપાલિટીની કચેરીની કરી, લોકોની જમીનો ધર્મગુરુની ખેરાતમાં જોરાવરીથી ભેળવી દેનાર એ સેક્રેટરી કંઈક કાંગળિયાં પર ઝૂકેલા બેઠા છે ત્યાં કાળાદૂત દાખલ થયો. શબ્દ પણ ઉચ્ચાર્યા વિના મેરિયોએ એની સામે એક મક્કમ નિગાહ માંડી. ‘ઓ બાપ રે !’ પુકારતો સેક્રેટરી હાથ ઊંચા કરતો રહ્યો. એક વધુ કડાકો, ત્રીજો બલિ હોમાઈ ચૂક્યો. દરવાજામાંથી નીકળે છે ત્યાં સામે પેલી કદાવર કાળા બુરખાવાળી ગેબી પરદેશણને હાથમાં પિસ્તોલ લઈ ધસી આવતી દીઠી, મેરિયોને સારુ બીજો માર્ગ જ ન રહ્યો. ઓરતને પણ ઉડાડવી પડી. આખી કાવતરા-ટોળીમાં હવે ત્રણ જણા બાકી રહ્યા : એક દાક્તર, અને બે પેલા આગ લગાવનારા ગુપ્ત પરદેશીઓ. મેરિયોને ખાતરી થઈ ચૂકી હતી કે આ સતામણીની ગુપ્ત બાજીમાં એ ત્રણ શામિલ હતા.

આ દારુણ વૈર-વસૂલાતના સમાચારથી કંપી ઊઠીને તમામ ગામલોકો બારીબારણાં ભીડી ઘરની અંદર લપાઈ ગયા છે. ઉજ્જડ બજાર સોંસરવો એકાકી મેરિયો સીધો ચાલ્યો જાય છે. આડું-અવળું કે ઊંચનીચે એ જોતો નથી. એની ખોપરીમાં બસ એક જ વાત ગુંજે છે – લીધેલા શપથનું પરિપૂર્ણ પાલન. ગામ બહાર નીકળીને પહાડી કેડી જે ઠેકાણે ઝાડીમાં ચાલી જાય છે, તે ઠેકાણે આવતાં જ એણે બે આકારોને ભૂખરા ડુંગરા તરફ દોડ્યા જતા દીઠા.

શિકારની સહેલગાહમાં પોતાનું નિત્યનું સંગાથી જે દૂરબીન હતું, તે આંખો પર માંડીને મેરિયોએ એ બે નાસી જતા ઓળા ઉપર નજર માંડી. બીજે ક્યાંય નહિ પણ બૂટ - જોડાં પર દૃષ્ટિ ઠેરવી. પારખી લીધા. પોતાનું નંદનવન સમું ઘર સળગી ગયું એની આસપાસ એ જ જોડાના સગડ એણે પારખ્યા હતા.

છતાંયે પૂરેપૂરી ખાતરી થયા વગર મેરિયો પિયાનેતી માનવી જેવા માનવીને કેમ મારે ?

એણે ડ્રીલિંગાની તાક લીધી. પણ ક્યાં ? એ મનુષ્યો પર નહિ, તેઓ જ્યાં દોડતા હતા તે ટેકરા ઉપર. હ મ મ મ ગોળી છૂટી – ધૂળના ધફામાંથી ડમરી ચડી. બન્ને આસામીઓ ચમક્યા. મેરિયોએ ત્રાડ દીધી : “ખડે રહો ! નહિ તો ફૂંકી દઉં છું.”

બન્ને જણા થંભી ગયા. પાછળ ફરીને ઊભા. શરણાગતિની એંધાણી તરીકે માથા પર હાથ ઊંચક્યા. નજીક જઈને મેરિયો તાડુક્યો : “તમે જ મારા ફુવારાનો નાશ કરીને મારી ઇમારતને આગ લગાવી, ખરું ?”

“ના મહેરબાન ! અમે ? અમે નહિ. કસમ ખાઈએ.”

“વારુ ! તો કોણ છો તમે ? આંહીં શું કરો છો ? કેમ નાસી રહ્યા છો ?”

બેમાંથી એક જણાએ ઉત્તર ન દીધો.

“બહુ સારું. ચાલો મારી સાથે મારે ઘેર, મારે તમારી ઝડતી લેવી છે.”

એણે બંદૂક નીચે નમાવી અને જાણે પાછો ફરતો હોય તેવો દેખાવ કર્યો. પલકમાં જ એ બન્નેએ મેરિયો પર છલાંગ મારી. પણ મેરિયો તો ખબરદાર હતો. એને તો સાચનું પારખું જ કરવું હતું. એક જ મુક્કો – અને એક આદમી બીજાના ઉપર પટકાયો. બીજી કશી જ પંચાતમાં ઊતર્યા વગર મેરિયોએ પ્યારી ડ્રીલિંગાની બન્ને નળીઓ નોંધી. ઘોડો

442
બહરવટિયા-કથાઓ