પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જો મને તેઓ આંહીં જ જંગલમાં ચૂપચાપ ખેંચી કાઢવા આપે તો હું તેઓને તલભાર પણ ઈજા પહોંચાડવા નથી ચાહતો. નીકર મારી બંદૂકની નળી પધોર એ કાંઈ કમ નીકળ્યા છે ? મેં ધાર્યું હોત તો હું એવા સોને ફૂંકી મારત, પણ દોસ્તો, હું લોહીનો તરસ્યો નથી, મને હવે છેડો ના. મને પડ્યો રહેવા દો !”

[6]

દિવસો દિવસ એવી કંઈક પરાક્રમની વાતો આ બહાદુરને નામે ચડતી ગઈ, ઍશ્ટન વુલ્ફ લખે છે કે ‘બહાદુર’ એવું બિરુદ આ બહારવટિયાને માટે હું બરાબર જ વાપરી રહ્યો છું. કારણ કે એનું બહારવટું વાજબી હો વા ગેરવાજબી, છતાં રોમાનેતી એક મર્દ હતો. હદથીય જ્યાદે રહમદિલ અને સાગરપેટો હતો. શત્રુ કે મિત્ર હરકોઈની સાથેના વહેવારમાં નીડર તેમ જ નેકીદાર હતો. અરે, સાચને ખાતર એણે પોતાના સગા ભાઇ સમા પહાડી ભાઈબંધ સ્પાદાને, જુઓને, ફાંસીને લાકડે મોકલવાની છાતી બતાવી હતી.

હકીકત આમ બની ગઈ. એક દિવસ ધોળે દહાડે છડેચોક એક ગામમાં દાખલ થઈને બહારવટિયો સીધો મેયર સા’બના મકાન પર આવ્યો, સાહેબના ચાકરને એક બંધ કરેલો કાગળ દીધો. કહ્યું : “સા’બને પોગાડજે.”

“કોનો છે ?”

“અંદર સહી કરી છે.”

પોતે અલોપ થઈ ગયો, અને પછી મેયર સા’બે કાગળ ફોડતાં અંદર રોમાનેતીના હાથની સહી દીઠી. ધડકતે કલેજે એણે કાગળ ઉકેલ્યો.

લખ્યું હતું કે, “મેયર સા’બ ! તમારા ફલાણા ગામડામાં ફલાણી છોકરીના જે આશક ખારવાનું ખૂન થયું છે, તેનો સાચો ખૂની તમે જેને પકડેલો છે તે ફેરારી નથી. ખૂનનો સાચો કરવાવાળો તો સ્પાદા નામનો આસામી છે. આ સ્પાદા મારો ભાઈબંધ છે ને અત્યારે મારા કબજામાં છે. વાસ્તે તમે નિર્દોષ ફેરારીને જો મોકળો કરો તો હું પંડે આવીને મારા સગા ભાઈ જેવા આ દોસ્ત સ્પાદાને– ખરા તહોમતદારને સુપરદ કરવા તૈયાર છું. લખિતંગ બા’રવટિયો રોમાનેતી.’

બહારવટિયાના કાગળની વાત બહાર પડી. પીઠાંમાં અને હૉટેલોમાં ચર્ચા થવા લાગી :

“ભાઈ, હું પંડે જાણું છું કે ઇવડી ઈ છોકરીના આશકને ગોળીએ દેનારો ઈ સ્પાદો જ છે. ઈ સ્પાદો જ છોકરીના પ્યારનો ઉમેદવાર હતો.”

“હા, મુંનેય માલુમ છે. ઘણુંય સમજીએ છીએ કે બાપડો ફેરારી તો નરાતાર બેગુને ફાંસીને લાકડે લટકશે.”

“ત્યારે તમે જાણભેદુઓ કોઈ જાહેર કાં નો’તા કરતા ?”

“ડરથી કરીને, કે બા’રવટિયો અમારા બાર વગાડી દિયે, સ્પાદો રહ્યો એનો દિલોજાન દોસ્ત !”

“પણ બા’રવટિયે તો કમાલ કરી. પોતે જ સ્પાદાને સોંપવા આવે છે.”

“હા, નિર્દોષનો જાન જાય છે તે સાટુ, બડો નેકપાક છે આ રોમાનેતી. એના ઉપર આફૂડું હેત વછૂટે છે.”

456
બહારવટિયા-કથાઓ