પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બહારવટિયાને વાતચીતમાં નામ દઈને નહિ, પણ ‘ઈ’ કહીને ઓળખાવવામાં આવતો હતો. એક્કેકની પાસે ઓછામાં ઓછાં બાર-બાર હથિયાર અને એક્કેક ભરેલી બંદુક એવા કેટલાક કદાવર લોકો મારી ચોપાસ વીંટળાઈને મને તીણી આંખે તપાસતા ઊભા. એ બધા બહારવટિયાના અંગરક્ષકો હતા; અને જ્યાં એક નાની એવી ચૂક પણ મોતનો મામલો મચાવે છે એવી દુનિયાની અનુભવશાળામાં ઘડાયેલા આ લોકો હંમેશાં દગલબાજને પકડી પાડવામાં પાવરધા હતા.

આખરે બારણું ઊઘડ્યું ને હું જેની મુલાકાત વાસ્તે આટલે દૂર આવ્યો છું તે આદમી દાખલ થયો. પંદર વરસ થયાં સરકારને હાથતાળી દઈ રહેલ શું આ નોન્સ રોમાનેતી ! મારી પહેલી છાપ નિરાશાની પડી. મધ્યમ કદનો, ભૂરો પોશાક પહેરેલો અને સાદી પોચી ટોપીવાળો સાવ સાધારણ એ આદમી હતો. એની બંદૂક પણ સાદી હતી. આ બહારવટિયો !

પછી એણે જ્યારે નજીક આવીને મારી સામે હાથ લંબાવ્યો, ત્યારે મને એ પુરુષના પ્રતાપની અને એની મુખમુદ્રામાંથી ઝલકતી લોહચુંબક જેવી જવાંમર્દીની ઝાંખી થઈ.

ઘટાદાર ઝાડી જેવાં ભવાં નીચે ઝગારા કરતી એ બે પાણીદાર આંખોને પંદર વરસના વનવાસે વાઘદીપડાની પેઠે અંધારે પણ દેખતી બનાવી હતી. બહારવટિયો બન્યો તે દિવસથી જ રોમાનતી હંમેશાં રાતે જાગતો ને દિવસે ઊંઘતો. એવી રાતની ક્રિયાઓને ટેવાયેલી બે આંખો જ એ ચહેરાની ખરી ખૂબી હતી. એની નજર તીણી, કરડી અને વીંધી નાખે તેવી હતી. આંખોનાં કાળાં ઊંડાણોમાં અક્કેક ઝીણી જ્યોત જાણે નિરંતર ટમટમ થતી હતી. એના સખત બિડાયેલા હોઠ ઉપર નાની કાળી દાઢીમૂછ ઢંકાયેલી હતી. એ નીચેની હડપચી કોઈ ખડકની માફક ધસી પડતી હતી. છાતી પહોળી હતી. પગ ટૂંકા ને પેશીદાર હતા.

એક પલકારે હું જોઈ શક્યો કે આ માનવીનું કલેવર કુદરતે મુસીબતો વેઠવાને માટે જ પોતાની લોખંડી એરણ ઉપર ટીપીટીપીને તૈયાર કર્યું છે. આમ રોમાનેતીને જેવો છે તેવો તો બહુ થોડાકોએ જોયો હતો. કેમ કે કેટલી વાર તો એ પોતાના કોઈ સાથીને જ રોમાનેતી બનાવીને મુલાકાત લેવા બેસાડતો. કોઈ વાર પોતે હડપચી ઉપર શ્વેત દાઢી પહેરી લેતો. આમ એનાં ચહેરાનિશાન વિશે સર્વત્ર ગોટાળો જ ચાલતો હતો.

અમે મેજ ઉપર બેઠા કે તુરત જ બહારવટિયા દોસ્તે એક મોહક હાસ્ય કરીને કહ્યું : “આપણે બન્નેએ જગ્યાની અદલાબદલી કરવી પડશે. મારે હંમેશાં બારણાની સામે જોઈને બેસવું પડે છે. આદત પડી ગઈ છે ને, ભાઈ !”

વધુ એણે કશું ન કહ્યું. પરંતુ એ સાદા શબ્દોની પાછળ રહેલી કરુણતાને હું સમજી ગયો. નિરંતર એને તો શત્રુઓથી ખબરદાર રહેવાનું : પલેપલ એને કોઈ દુશ્મનનો ડર : આરામની થોડી ઘડીઓ દરમિયાન પણ એને તો વીસરવાનું જ નહિ કે પોતે એક શિકારનું પશુડું છે અને પોતાના માથા ઉપર મોટું લલચામણું ઈનામ લટકે છે.

વાળુની વાનીઓમાં બહારવટિયાએ ખાસ પોતાની દ્રાક્ષોના માંડવામાંથી બનાવેલા આસવોના સીસા પીરસ્યા હતા. અમે મોજથી ગુફતેગુ કરતા હતા. પાસે બેઠેલા કુત્તાઓ ઘડીઘડી માથાં ઊંચકીને સાંભળ્યા કરતા હતા, ને દર અરધા કલાકે બારણું ઊઘડતું, એક રક્ષક આવીને બહારવટિયાના કાનમાં કશુંક કહી ચાલ્યો જતો.

એક વાર એ શબ્દો મેં પકડ્યા હતા : “પહેલા ને બીજા નંબરના સંત્રી ખેરિયત જણાવે છે.”

460
બહારવટિયા-કથાઓ