પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એવા ચોકીપહેરા વચ્ચે અમે ભોજન લેતા હતા, બહારવટિયો દોસ્ત ખાતો તો જરીક જ, વિશેષ તો એ આસવની પ્યાલીઓ જ ગટાવ્યે જતો, પછી જ્યારે મેજ ઉપર દેશી બનાવટની જલદ શ્વેત તાડી પીરસાઈ અને સિગારેટો ચેતાવાઈ, ત્યારે બહારવટિયાએ ડિલ ઢાળ્યું.

મેં પૂછ્યું, “તમે એક બગાસું પણ ખાધા વગર એક સામટા સાઠથી ઐસી કલાકનો ઉજાગરો ખેંચી શકો છો એ વાત સાચી ?”

‘ભાઈના સોગંદ, સાચી વાત.’ બહારવટિયાએ જવાબ વાળ્યો, ‘આખી આવરદામાં મને ઝોકાં તો કદી આવેલાં જ નથી. મારું દિલ હોય તો જ ઊંઘી જાઉં છું. ને તે પણ દા’ડે; કોઈ વાર ચાર કલાક કે પાંચ કલાક પણ નીંદની જરૂર ને લીધે નહિ કે કંટાળાને લીધે.’

મેં કહ્યું, ‘પેલા અમેરિકાવાળાનું એરોપ્લેન આંહીં તૂટી પડ્યું હતું તે પ્રસંગ જાણવાનું મારે મન છે.’

“હા, એક દી સવારે અમે ડુક્કરનો શિકાર કરીને પાછા વળીએ છીએ, ત્યાં એ વિમાનનો ઘરેરાટ સાંભળીને અમે ચોંક્યા, કદાચ ફુલેસવાળાઓની આ નવી તરકીબ હોય એવી ભે ખાઈને અમે ઝડીમાં બેસી જઈ સફેદ વિમાનને આવતું નિહાળી રહ્યા. એકાએક અમે એમાંથી એક ધુમાડાનો મોટો થાંભલો ચડતો દીઠો, ને એક પલમાં વિમાન ત્યાં પટકાઈને ઝાડોમાં ભુક્કો બની ગયું. ત્યાં અમે દોડ્યા ગયા. એ સળગતા ઢગલામાં અમે બે મર્દોને અને એક ઓરતને દેખ્યાં. અમે બધા તો તાત્કાલિક મલમપટામાં કાબેલ રહ્યા. ને - શું કરીએ ભાઈ ! જખ મારીને કાબેલ થવું જ રહ્યું – એટલે એ બિચારાંની બનતી સારવાર તો પ્રથમ દરજ્જે પતાવી. વિમાનનો પાઈલટ તો તમામ થઈ ગયેલો, પણ ઓરત ને મર્દ જીવતાં હતાં. મારી ઓરત તમારા લાવા ગામ પડખેના પડાવે જ હતી ત્યાંથી મેં એને તરત તેડાવી મગાવી ને બીજી બાજુ નજીકને શહેરથી દાક્તરને તેમ જ ઝોળી ઉપાડવાવાળાને તેડાવ્યા. થોડે વખતે એ બધા તો પોલીસના પહેરા સાથે આવી પહોંચ્યા. અમે બેશક છુપાઈને બેઠા હતા, પણ મારી ઓરત તો એ બેહોશ કમનસીબોની સારવાર કરતી ત્યાં જ ઊભી હતી. એ બાપડીએ પોતાનાથી બનતું કર્યું - જખ્મો ધોયા ને ચહેરા સાફ કર્યા. ઝોળીમાં નાખીને તેમને તો ઉઠાવી જવામાં આવ્યાં, ને એ લોકો પાસેનું જે રોકડ નાણું તેમ જ દાગીના અમે કબજે લીધેલાં તે તમામ મારી ઓરતે સરકારી માણસોને સુપરદ કરી દીધાં. પછી એ બેમાંથી કોઈ જીવતું તો થયું નહિ, પણ મારા ઉપર તો છેક અમેરિકાથી અહેસાનના કાગળો મારી ઓરત મારફત આવ્યા હતા. આ જુઓ ! આ રહ્યા એ કાગળો. મેં હજુ સાચવી રાખેલા છે : જુઓ આ ફાંકડી ગજવાપોથી.’ એમ કહી બહારવટિયાએ એક ચામડાની, સુંદર પોથી કાઢી. તેના ઉપર સોને તેમ જ હીરે મઢેલો N અક્ષર હતો. એટલે બહારવટિયાના નામ ‘નોન્સ રોમાનેતી’નો પહેલો અક્ષર. હું હસ્યો – ‘એન’ – એ તો બીજા પણ એક દેશપાર થયેલા કોર્સિકાવાસીના નામનો પહેલો અક્ષર, ખરું ને?”

“હા, નેપોલિયન : એ પણ આખરે એક જાતનો બહારવટિયો જ હતો ને ભાઈ ! અલબત્ત, મારા કરતાં ક્યાંયે મોટો – વળી એનો સિતારો બુલંદ નીકળ્યો અને મારા મુકદ્દરમાં -” બહારવટિયાએ નિઃશ્વાસ નાખ્યો. પછી એકદમ જાણે કલેજા પરથી કશુંક

ખંખેરી નાખતો હોય તે રીતે એ છલંગ મારીને ખડો થયો, બોલી ઊઠ્યો કે. “પરવા નહિ.

રોમાનેતી
461