પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તારી રક્ષામાં રાખજે. માતા તો ઘણાં વર્ષોથી મરી ગઈ હતી. બાપુનો દેહ પડ્યા પછી બે ભાઈબહેન ઉપરાંત ત્રીજું કોઈ એ ઘર માં નથી રહ્યું.

‘ભાઈ ! ભાઈ !’ કરતી કુમારી કારમન જ્યારે રેલગાડીના ડબામાંથી ઉતરી પડીને ભાઈને કંઠે ભુજાઓ વીંટી વળી, વારે ભાઈ ઘણાં વર્ષના ગાળા પછી દીઠેલી બહેનનું એ ખીલતું જોબન દેખીને ચકિત બની ગયો.

‘અરે કારમન, તું આવડી મોટી થઈ ગઈ !’ એમ કહી એ બહેનને નખશિખ નિહાળવા લાગ્યો. છેલ્લી દીઠી હતી : નાની, ત્રાઠેલ મૃગલી જેવી બીકણ અને શરમાળ. આજે આટલાં જ થોડાં વર્ષોમાં - અઢાર જ વર્ષની ઉમ્મરે - એણે એ કળીની શી ફૂલખિલાવટ દેખી ! કાળા ઓઢણામાંથી અને સાદા સાધુ-પોશાકની અંદરથી જાણે કે હાથીદાંતની કે કંડારેલી હોય તેવી એની ડોકની લાલ લાલ ઝાંય અને મોટી બે નિર્મલ આંખોની ઝલક એના આસમાની અતલસ-શા કેશ વચ્ચે ઝળહળી ઊઠી, ભાઈના પ્રેમમાં મગરૂરીની ભભક ભળી ગઈ. ભાઈની બાજુએ હસતી, ખેલતી, ગેલતી, વાતો કરતાં ન ધરાતી, કોઈ બોલકી મેના સમી એ બહેને ઘેર પહોંચતાં સુધીમાં તો ભાઈની છાતીને બે તસુ વધુ પહોળી કરી નાખી, અને પિતાના સૂના ઘરનો વહીવટ એણે જોતજોતામાં તો હાથ કરી લીધો.

ઘરના કામકાજથી પરવારીને રોજ સાંજે કારમન પોતાના ભાઈની ઑફિસે જતી અને ત્યાંથી સાંજરે બન્ને જણાં આંકડા ભીડેલા હાથ હીંડોળતાં ઘર તરફ પાછાં વળતાં ત્યારે અનેક જુવાનો એ તરુણીની સામે તાકી રહેતા. ભાઈ હૈયામાં છૂપો ગર્વ અનુભવતો કે કેવી સુંદર બહેનનો હું ભાઈ છું ! અનેક વાર એ બહેનને રમૂજ કરીને કહેતો કે, “હવે તો તારે સારુ આપણે વર ગોતવો પડશે હો ! કેમ કે હું પણ હવે થોડા વખતમાં પરણવાનો, એટલે પછી તારી રક્ષા કરનારો કોઈક જોઈશે ને !”

એ સાંભળીને કારમનના ગાલ ઉપર ઉષાની લાલી-શી સ્વાભાવિક શરમના ગલ પડતા. અનેક યુવાનો આ સુંદરીના હાથની માગણીને લોભે લોભાઈને એમને ઘેર જમવાનું ઇજન સ્વીકારતા. દુનિયા એ કન્યાને બસ સુખભરપૂર, દૂધ-શી ઊજળી અને પ્રેમની નદીના શીતળ પર સમી સરલ દેખાતી. તમામ આંખોમાંથી એને પ્રેમની ધોરાઓ જ વરસતી જણાતી.

[2]

ઘેર આવનારાઓની અંદર એક ફાંકડો, કદાવર બાંધાનો રૂપાળો આદમી હતો. એનું નામ મેન્યુઅલ હતું. ચાપલા સરોવરની નજીકમાં એક મહામોલી રૂપા-ખાણ જડી હતી તેના સંબંધમાં કારમનના ભાઈ પર મોટા ભલામણપત્રો લઈને આ યુવાન નગરમાં આવ્યો હતો. ખાણના ઉદ્યોગની ખિલાવટ સારુ એક જંગી રકમનો ઉપાડ બૅન્કમાંથી કરવાની તેની નેમ હતી. રૂપા-ખાણના ઉદ્યોગને લગતું એણે તૈયાર કરેલું આખું યોજનાપત્ર એટલું તો ગુલાબી હતું, એટલી અદ્ભુત સંપત્તિની ઉત્પત્તિનો ખ્યાલ આપતું હતું કે લૉરેન્ઝોએ એ કાગળિયાં તપાસી ગયા પછી પોતાની બૅન્કને ધીરધારના જોખમમાં નાખવાનો મનસૂબો કરી મૂક્યો હતો. લખલૂટ રૂપું પેદા થવાની મોહિની એ યોજનામાં ભરેલી હતી.

દહાડે-દહાડે આ કુટુંબની સાથે ઘાટા સંબંધમાં આવી રહેલા એ પુરુષની પ્રવાહી મોટી આંખોએ, એના મધુ-ઝરતા હાસ્યે, અને એના કંઠમાંથી ઊઠતા મર્દાઈભર્યા અવાજે ધીરે ધીરે કુમારી કારમનનાં નયનોમાં અંજન આંજી નાખ્યું. હૈયું દ્રવીને પાણી પાણી થઈ જાય એવું

બહારવટિયા-કથાઓ
418