પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોવામાં આવે છે. સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદ બે એક જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિને સ્વચ્છંદ કરવાનો અધિકાર હોય જ નહિ. હોય ત્યાં સ્વતંત્રતાદેવીનો વાસ જ ન સંભવે, પ્રત્યેક મનુષ્યને માત્ર એટલી જ સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર છે જેથી બીજાને નુકસાન ન પહોંચે. અંગ્રેજીમાં નીતિશાસ્ત્રની કહેવત છે કે, મનુષ્ય પોતાની વસ્તુનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી બીજાને હાનિ ન પહોંચે. મને મારી જમીન આખી ખોદી નાંખવાનો હક છે, પણ મારા પાડોશીના ઘરનો પાયો નબળો થઈ જાય તેટલે દરજ્જે તે ન ખોદાય. પ્રજાનો કોઈ ભાગ દારૂ પીએ તો તેનું પરિણામ પીનારને સોસવું પડે છે એટલું જ નહિ, પણ પીનારનાં બાળબચ્ચાંને અને પાડોશી સુધ્ધાંને સોસવું પડે છે. અમેરિકાએ દારૂની દુકાનો ને દારૂ બનાવવાનાં કારખાનાં બંધ કર્યાં તેથી કંઈ ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્યનો લોપ નથી થયો. આખી દુનિયામાં અત્યારે દારૂના વેપાર વિરુદ્ધની હિલચાલ ચાલી રહી છે. તે વેળા રાજકોટનરેશ દારૂને અંગે વ્યક્તિસ્વાતંત્ર્યની વાત કરે એ ખેદકારક ગણાય.

પ્રજામત

વળી માનો કે દારૂના વેપારની બંધીથી વ્યક્તિસ્વાતંત્ર્યને ધક્કો પહોંચે છે, તોયે જ્યાં પ્રજાનો મત સ્પષ્ટ રીતે એક જ હોય ત્યાં તો મતને વશ વર્તવાનો રાજાનો ધર્મ છે, એવો જગતમાન્ય સિદ્ધાંત છે. પ્રજાપ્રતિનિધિ મંડળમાં કોઈ પણ એવો જોવામાં ન આવ્યો કે જે દારૂના વેપારની બંધી નહોતો ઇચ્છતો. એવા પુરાવા મોજૂદ છે કે દારૂ પીનારા પોતે તો બંધી ઇચ્છે છે. તેમનાં કુટુંબો ત્રાસ પામ્યાં છે. આવી