પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
કાઠિયાવાડનાં સ્મરણો

બાબતમાં રાજકોટના ઠાકોર સાહેબ પ્રજામતને માન ન આપે એ શોચનીય જ ગણાય. જેણે પ્રજાપ્રતિનિધિ મંડળ કાઢવાની પહેલ કરી છે તે નરેશને વિષે જરૂર હું એવી આશા રાખું કે તેઓ દારૂની બાબતમાં દૂષિત સિદ્ધાંતને વશ રહી પ્રજામતનો તિરસ્કાર નહિ કરે પણ દારૂનો વેપાર બંધ કરી ગરીબની આંતરડીની દુવા મેળવશે.

નિયમિતતા

રાજકોટના ઠાકોર સાહેબ નિયમિતતાના પૂજારી છે. બધું કામ નીમેલે વખતે કરતા જણાય છે ને પોતે કરેલી વખતની નિમણુકોનો ખંતપૂર્વક અમલ કરે છે ને બીજા પાસે કરાવે છે. ‘ડિસિપ્લિન’ — સંયમન — ના પણ પૂજારી છે. તેઓ માને છે કે આપણામાં મોટી ખામી સંયમનનો અભાવ છે. આમાં બહુ સત્ય છે એની ના પાડી શકાય એમ નથી. નિયમ અને સંયમનને અભાવે પ્રજા પોતાની શુભેચ્છાઓ પાર નથી પાડી શકતી.


બીજાં રાજ્યો

જે લોકપ્રિયતા મેં નામદાર ઠાકોર સાહેબને વિષે અનુભવી તે પોરબંદર, વાંકાનેર અને વઢવાણના નરેશો વિષે પણ અનુભવી. દરેક પ્રજાનું હિત ચહાતા જણાયા. દરેક પ્રજાને સંતોષવાનો પ્રયત્ન કરે છે એવી છાપ મારા મન ઉપર પડી. પણ મારાથી એક વસ્તુ કહ્યા વિના ન રહેવાય. દરેક રાજ્યમાં ઓછાવત્તા પ્રમાણમાં રાજાનું ખર્ચ આવકના પ્રમાણમાં બહુ