પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
કાઠિયાવાડ રાજકીય પરિષદ

દુનિયાને આંજે એવાં પરિણામ ન મળવાથી કાચાપોચા નાસીપાસ થઈ જાય. પણ અમૃતલાલ ઠક્કર ઢેડભંગીના ગોર થયા, અને એટલેથીયે સંતોષ ન વાળતાં ભીલના સેવક અને મિત્ર બન્યા.

આવા માણસ રાજકીય પરિષદમાં શું કરશે ? એ સવાલ તેમની પસંદગી કરનારાને તો ન થયો; અમૃતલાલ ઠક્કરને થયો. તેમનું નામ આવવા દેવા સારુ ઠપકો આપતાં તેઓ મને લખે છે તેનો સાર આ છે: (તેમનો કાગળ અત્યારે મારી સામે નથી.)

“તમે તે જાણો છો કે મારે કામ રહ્યું ઢેડ, ભંગી, ભીલ, કોળી ઇત્યાદિની સાથે. મારે ને રાજ્યપ્રકરણને શું બને ? વળી તમે જ સલાહ આપનારા કે એક કામમાં તન્મય થનારે બીજામાં પડવાનો લોભ ન રાખવો. હવે તમે જ કાં મને મારે સ્થાનેથી બીજે લઈ જવા તૈયાર થયા છો?”

આ પ્રશ્ન તેમને ઊઠ્યો એ તેમની શુભ મનોદશા સૂચવે છે. પણ તેમને ક્યાં ખબર નથી કે રાજકીય પરિષદ અત્યારે ધંધો જ હરિજનાદિની સેવાનો કરી રહેલ છે. કોણ કહેશે કે ખાદીમાં તે સેવા નથી આવી જતી ? એટલું જ નહિ, પણ હરિજનાદિને સારુ સીધી રીતે પણ પરિષદે આ વર્ષે ઓછું કામ નથી કર્યું, ઓછા પૈસા નથી ખર્ચ્યા. એટલે જે વસ્તુ શ્રી. અમૃતલાલ ઠક્કરને પ્રિય છે તે તો અત્યારે પરિષદનું ક્ષેત્ર જ છે. વળી કાઠિયાવાડમાં ખાદીકામના અધિષ્ઠાતા અમૃતલાલ ઠક્કર જ છે. અત્યારે તેમનો ખાદી પ્રત્યેનો પ્રેમ અથવા તે વિષેની શ્રદ્ધા તેટલાં જ છે કે નહિ તે હું નથી જાણતો. તેનું સ્પષ્ટીકરણ તે સહેજે પરિષદ આગળ કરશે.