પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

કે ખાદીનું નામનિશાન આ દુનિયામાંથી જેમ અને તેમ તરત ભૂંસાઈ જાય તો સારું, જેથી માણસને તેના અસલ સ્વરૂપમાં તો ઓળખી શકાય.

જતીન દાસ, ભગતસિંહ અને દત્ત આપને મન ભલે ગમે તેટલા ગુનેગાર હોય, તોપણ એ વીરાત્મા હતા અને છે. અને તેમના કાર્ય વિષે જે ખુલાસો બહાર પડ્યો છે તે જોતાં તેમનો હેતુ પવિત્ર દેખાય છે. તે બાબતમાં પણ ભલે મતભેદ હોય. પણ રાજકીય કેદીઓના હકને માટે તેઓ પોતાના પ્રાણ જે રીતે નિચોવી રહ્યા છે તે વિષે પણ એક અક્ષર ન લખવો એ તેમની હાંસી છે.

સાત કરોડ (શંકા છે) હરિજનો વિના રવરાજ મળવાનું ન હોય, તો સાત કરોડની દેશી રાજ્યોની પ્રજા વિના તો કદી સ્વરાજ મળવાનું નથી જ. અત્યારે તો હરિજનો કરતાં તેમની સ્થિતિ વધારે ખરાબ છે તેમાં કશી શંકા નથી. આજે કેટલા દેશી રાજાઓએ ખુલ્લી રીતે અને કેટલાએ છાની રીતે કેટલાં ખૂનો કર્યાં છે તે આપ જાણો છો ? આપ તો એમ જ સમજો છો કે દેશી રાજ્યની પ્રજા જેલથી ડરે છે. પણ હું ખાતરીથી કહું છું કે અમે જેલથી ડરતા નથી, મોતથી પણ ડરતા નથી. પણ અમારી આંખની સામે અમારાં નિર્દોષ પત્ની, બાળકો અને સગાંનો કચ્ચરઘાણ નીકળતો અમે જોઈ શકતા નથી. તેમનાં શિયળ ખંડિત થતાં જોઈ અમારે શું બેસી રહેવું? હું જાતે જૈન છું; અહિંસાનો (મારે મન) ઉપાસક છું; દેશી રાજ્યની જેલમાં જઈ આવ્યો છું અને હજી જવાને તૈયાર છું. પણ હું આપને શું કહું ? — એ કેટલા માણસોને દવામાં ઝેર આપીને મારી નાંખ્યા છે તે આપ જાણો છો ? આજે — ના એક માણસની સ્ત્રીને સત્તર વર્ષ થયાં ઉઠાવી જવામાં આવી છે. અત્યારે તે — ના રાજમહેલમાં છે. અને બીજી એવી તો ઘણીયે છે, રેસિડેન્ટને તે માણસે અરજી કરી. જવાબ મળ્યો : વીસ હજાર રૂપિયા લઈ તમે હાથ ઉઠાવી લો.