પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
દેશી રાજ્યોનો પ્રશ્ન


રણુપુરે એક પોલિટિકલ એજન્ટનું ખૂન કર્યું, અને પરિણામે હવે ત્યાં નિરપરાધી સ્ત્રીપુરુષોને ભોગે પોલીસ તથા લશ્કર મનગમતી મોજો માણી રહ્યાં છે. મને આશા છે કે ઉત્કલ સરકાર પૂરી મક્કમ રહેશે અને સામ્રાજ્યસત્તાને મનસ્વીપણે કામ લેવા નહિ દે. જ્યારે જ્યારે મેજર બૅઝલગેટની કમનસીબ હત્યાના જેવા સંજોગો ઊભા થાય છે અને પોતાના વર્ગના કોઈ માણસને ગુમાવે છે. ત્યારે સામ્રાજ્ય-સત્તાવાળા પાગલ બની જાય છે. આ હત્યાથી આપણને સમજવું જોઈએ કે આવાં કૃત્યોથી પ્રજા કશું મેળવી શકે એમ નથી.

જયપુર રાજ્યને તો જયપુરી પ્રજા જવાબદાર તંત્રની માગણી કરતાં અને તેને લગતી લાયકાત કેળવતાં શીખે એટલું પણ ન ખપે. પછી ભલે થોડા રોજમાં એને પોતાના એક સૌથી અગ્રગણ્ય એવા પનોતા સપૂતને જીવતો દફનાવવો પડે. આની તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટમાં ઠાકોર સાહેબના સલાહકારો ઠાકોર સાહેબ પાસે તેમણે પોતાની પ્રજાને પૂરી ગંભીરતાપૂર્વક આપેલા વચનને ‘અબી બોલ્યા અબી ફોક’ કરાવવામાં પાછું વાળી જોતા નથી. મારી પાસે પડેલા પુરાવા જોતાં કાઠિયાવાડનાં દેશી રાજ્યોના રેસિડેન્ટનો આ વચનભંગ કરાવવામાં હાથ છે. મહાસભા અને સરદારનું નામ એને અળખામણું છે. રાજકોટમાં હિંદુ-મુસલમાન વચ્ચે તેમ જ ભાયાતો તથા પ્રજા વચ્ચે બખેડા ઊભા કરાવવાની પેરવી ચાલી રહી છે. લોકો વચ્ચે આટલા દિવસ કશો કજિયોટંટો નહોતો. આપણે આશા રાખીશું કે મુસલમાન ભાઈઓ અને ભાયાતો પોતાની જ આઝાદીના વેરી નહિ નીવડે. પ્રજાસેવકોનો માર્ગ સ્પષ્ટ