પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૦
રાજકોટની પ્રજા પ્રત્યે

જે હેતુથી હું આવ્યો હતો તે ઈશ્વરકૃપાએ સફળ થયો છે. ના. ઠાકોર સાહેબની પ્રતિજ્ઞા પળાશે અને ૨૬ મી ડિસેંબરની એમની જાહેરાતને અનુસરતું રાજ્યતંત્ર સ્થપાશે, અને તેમ થવાની ખોળાધરી ના. ઠાકોર સાહેબ તરફથી ને તેમની સંમતિથી વડી સરકાર તરફથી મળી છે. આટલો સરળ ને લૌકિક અર્થ ના. વાઈસરૉય સાહેબ અને મારી વચ્ચે થયેલા તારવહેવારનો છે. આને હું શુભ અને ધાર્યા ઉપરાંત વધારે સારું પરિણામ માનું છું. એને સારું આપણે પ્રભુનો પાડ માનીએ. એની કૃપા વિના આવું પરિણામ નીપજવું અસંભવિત હતું. રાજા પ્રજા બંનેની લાજ જળવાઈ અને લોકોએ વેઠેલી યાતના સફળ થઈ.

બીજી બાબતોનો ઉલ્લેખ આ પત્રિકામાં નથી કરતો. એ મેં છોડી નથી દીધી એટલું અહીં કહેવું બસ થવું જોઈએ. છાપાબંધી વગેરે અગવડો હજુ દૂર નથી થઈ એ મારી જાણ બહાર નથી. એ દૂર કરાવવાનો પ્રયત્ન ચાલુ છે. એ દૂર થશે જ.

આમાં આપણને ફુલાઈ જવાનું કશું કારણ નથી. પ્રજાજને ખરું કામ તો હવે કરવાનું છે. રાજ્યતંત્ર મળશે