પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

રાજાસાહેબ મહાસભાના મિત્ર હતા એ વાતનો કોઈએ ઇનકાર કર્યો નથી. એમની જોડે આથી સારું વર્તન થવું ઘટતું હતું. રાજ્ય તરફથી થયેલા ઘોંચપરોણાને વિષે જે પુરાવો આવ્યો છે તે ખરો છે કે ખોટો, એ વસ્તુની સાથે મને આ ઘડીએ નિસ્બત નથી. રાજ્યની સામે સારી પેઠે ગંભીર એવા આરોપો કરવામાં આવેલા છે. પણ લોકોએ કરેલી હિંસા વાજબી ઠરાવવા માટે સામા પક્ષ તરફથી થયેલા ઘોંચપરોણાનું કારણ આગળ ધરવું, એ નીતિ મહાસભાએ કદી રાખી નથી. મહાસભાની આ ધરમૂળની નીતિ સાથે આપણે ખેલ કરીશું તો આખી બાજી હારી બેસવાના છીએ. રામદુર્ગના ઉત્પાત પહેલાં મેં કહ્યું હતું કે જે હવા હું લઈ રહ્યો છું તેમાં જ મને હિંસાની ગંધ આવે છે. હિંસા કે અસત્યના જરા સરખા પ્રદર્શનની મને ખબર પડી જાય એટલી સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ મારામાં કેળવાઈ ગઈ છે. હિંસા અને અસત્ય એક જ માબાપનાં જોડિયાં સંતાનો છે.

મારા મનમાં તો લવલેશ સંદેહ નથી મહાસભાની પ્રાંતિક સમિતિઓએ, અને કાર્યવાહક સમિતિ રચાય ત્યારે પ્રાંતિકસભાના દળમાંથી મન, વચન ને કર્મની હિંસા નાબૂદ કરવાને કડક પગલાં લેવાં જ જોઈશે. વર્તમાનપત્રોમાં જે કંઈક થોડું હું વાંચું છું તે બતાવે છે કે જ્યાં ને ત્યાં સત્ય અને અહિંસાનો ભંગ થઈ રહ્યો છે. આ અનિષ્ટનો ઉપાય શી રીતે થઈ શકે એ હું જાણતો નથી. જે વર્તમાનપત્રો મહાસભાવાદીઓના વહીવટવાળાં કે તેમની માલિકીનાં હોય તે કદાચ નૈતિક અંકુશને વશ થાય એમ હોય. પણ મારું મન તો એમ માનવા તરફ ઢળે છે કે વધારેમાં વધારે