પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

શક્ય હતું તે અહીં કાં શક્ય ન હોય ? જનરલ સ્મટ્સે જે ઉદ્‌ગારો કાઢ્યા તેવા દરબાર વીરાવાળાને મોંએથી કાં ન નીકળે? દક્ષિણ આફ્રિકામાં તો ખોબા જેટલા હિંદી હતા અને સામે આખી બોઅર પ્રજા મંડાયેલી હતી. એક આખા તંત્ર સામે હિંદીઓની લડત હતી. અને તંત્ર તો હમેશાં જડતામાં જકડાયેલાં હોય છે. અહીંયાં તો સવાલ માત્ર દરબાર વીરાવાળાના હૃદયમાં પ્રવેશ કરવાનો છે. તમારી પાસેથી એ પરમ પુરુષાર્થ મારે જોઈએ. દરબાર વીરાવાળા અહીંથી ન જાય ત્યાં સુધી અહીં સુલેહશાંતિ થવાની નથી એમ કહેવું એ અહિંસાની ભાષા નથી. અહિંસાનું લક્ષણ તો સીધું હિંસાના મોંમાં દોડી જવું એ છે. ગાયને જ્ઞાન હોય અને બધી સમજીને સીધી દોડી સાવજના મોંમાં પેસે તો સંભવ છે કે સાવજની ગોમાંસની રુચિ ચાલી જાય. કેટલીક વેળા હું વિચારું છું કે હું અહીંયાં આવ્યો હતો ઠાકોર સાહેબ જોડેના મારા વંશપરંપરાના સંબંધની મદાર ઉપર, પણ આવીને તો મેં અહીં અવળું કર્યું. મેં તો ચક્રવર્તી સત્તાને વચ્ચે નાંખી. આ કેવી કુમતિ મને સૂઝી! હવે કાં હું તાજના પ્રતિનિધિને તેણે આપેલી ખોળાધરીમાંથી મુક્ત ન કરું ? કાં મારાથી થયેલી ભૂલની છડેચોક પોકારીને જાહેરાત ન કરું?

પણ મારે કબૂલ કરવું જોઈએ કે મારી હિંમત એટલે લગી નથી ગઈ. છતાં આ વિચારો હું તમારી આગળ મૂકીને જાઉં છું. તમે તમારાં અંતર સારી પેઠે તપાસો; અને તમારું અંતઃકરણ પણ એ જ સાક્ષી પૂરે તો સમજી લેવું કે વિરોધીના હૃદયમાં પ્રવેશ કરવામાં જ તમારી અને મારી અહિંસાની ખરી કસોટી છે.