પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
હ્રુદયમંથન

સારુ મારે વિચાર કરવો પડે એ મને તેમ જ તમને બેઉને અસહ્ય થઈ પડવું જોઈએ. તેથી હું આ વખતે બધો બોજો તમારા ઉપર નાંખીને જવાનો છું. અહિંસા અને હિંસાની વચ્ચે તમારે તમારી છેવટની પસંદગી કરી લેવી રહી છે. તમે કોઈ દિવસ કાયર ન થાઓ એમ હું ઇચ્છું છું. મર્યાદાપૂર્વકની હિંસામાંથી કોઈક દિવસ શુદ્ધ અહિંસા તમે શીખો એ સંભવ છે, પણ ત્રિશંકુની જેમ તમે હિંસા અને અહિંસા એ બેની વચ્ચે અધ્ધર લટક્યા કરો તો એ ભયંકર સ્થિતિ છે. આ માર્મિક સમસ્યા આજે જેમ તમારી સમક્ષ તેમ આખા દેશની સમક્ષ ઊભેલી છે. એનો ફડચો તમારે તરત કરી લેવો રહ્યો છે. જો તમે અહિંસાને જ વળગો તો તમારી એ અહિંંસા મારી આપેલી નહિ પણ સ્વતંત્ર પ્રેરણારૂપે તમારામાં આવવી જોઈએ.

એટલે મારી વાત તમારે ગળે ઉતરતી હોય તો એના અમલનો કાર્યક્રમ હું તમને દોરી આપું. પરિષદના સાતેય પ્રતિનિધિ તમે દરબાર વીરાવાળાની પાસે જાઓ. ગમે તેટલાં કડવાં વેણ એ તમને સંભળાવે, તિરસ્કાર બતાવે, તે બધું ધીરજપૂર્વક, શાંતિપૂર્વક સહન કરવાની તમારી તૈયારી જોઈએ. આવી અનેક અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થયા પછી જ હું દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની શક્તિ મેળવી શક્યો હતો. તમારામાં એટલે સુધી શક્તિ આવવી જોઈએ કે તમે દરબાર વીરાવાળાને જઈ ને કહો કે, ‘અમારે તો ગાંધીને આમાંથી મુક્ત કરવા છે. ચક્રવર્તી સત્તાની દરમ્યાનગીરીની કક્ષામાંથી પણ નીકળી જવા ઇચ્છીએ છીએ. અમારે તો ૨૬મી ડિસેમ્બરની જાહેરાતનો રાજ્ય પાસે અમલ પણ તમને