પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

વચ્ચે રાખીને કરાવવો છે, તમને કાઢી કઢાવીને નહિ. તમને અમે કેવી રીતે રીઝવી શકીએ એ તમે જ સૂચવો જેથી આખા દેશને સારુ રાજકોટ એ રાજા અને પ્રજા વચ્ચેના મીઠા સંબંધના દાખલારૂપ બને’.

આવી અહિંંસાની સાધનાને સારુ સાધન તરીકે, અહિંંસાના પ્રતીક તરીકે, રેંટિયાથી વધારે ચડિયાતું એવું બીજું કોઈ સાધન હું તમને બતાવી શકતો નથી.

મારી અહિંસા એ એક શાસ્ત્રીય પ્રયોગ છે. શાસ્ત્રીય પ્રયોગમાં નિષ્ફળતા જેવી વસ્તુને સ્થાન નથી. ધારેલું પરિણામ મેળવતાં અંતરાયો આવે છે ત્યારે ઘણી વાર એમાંથી ભારે વૈજ્ઞાનિક શોધો થાય છે. જો અહિંસા ઉપર કાયમ રહેવા ઇચ્છતા હો તો આવા માનસથી તમારે મેં સૂચવેલા અહિંસાના આ પ્રયોગમાં ઊતરવું રહ્યું છે.

હરિજનબંધુ, ૧૪–૫–૧૯૩૯