પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
કાઠિયાવાડ શું કરે ?


આ તો હું દૃષ્ટાંતરૂપે ગણાવી ગયો છું. એવાં બીજાં તો ત્યાંના જ માહિતગાર સજ્જનો ઘણાં ગોતી શકે તેમ છે.

‘આ તો સંસારસુધારો, રાજકીય કામ આ ન હોય,’ એમ ઘણા ટીકાકાર બોલી ઊઠશે. એમ કહેવું મિથ્યાભાસ છે. રાજકીય એટલે રાજાને — રાજ્યને — લગતું. રાજા એટલે પ્ર્જાતંત્ર ચલાવનાર. પ્રજાતંત્ર ચલાવનારે ઉપરના એકેએક અંગને તપાસવું જ પડે. તે ન તપાસે તે તંત્રી નહિ, રાજા નહિ. જે સંસ્થામાં તેની અવગણના થાય અથવા તેને ગૌણ પદ અપાય તે રાજકીય નહિ. રાજકીય પરિષદનો ઉદ્દેશ રાજાને સહાયતા કરવાનો અથવા રાજા રાજપંથ છોડે તો તેના પર અંકુશ મૂકવાનો હોય. આવી સહાયતા કે આવો અંકુશ તે જ દઈ કે મૂકી શકે જેની વગ પ્રજાની સાથે લગભગ રાજાના જેટલી જ હોય; પ્રજાજનમાંથી એવી વગ ખરી રીતે તે જ મેળવી શકે જે પ્રજાની શુદ્ધ સેવા કરે. એવી સેવા ઉપરનાં કામોમાંથી જ થવાની. એટલે રાજકીય પરિષદોએ જો ખરેખર રાજકીય કાર્ય કરવાં હોય તો ઉપરની સેવા એ તેમની પ્રાથમિક કેળવણી છે, અને તેથી એ અનિવાર્ય છે.

તેથી જ આ સેવા સત્યાગ્રહની સારામાં સારી ને આવશ્યક તાલીમ છે. જેણે એટલું નથી કર્યું તે પ્રજાને અર્થે સત્યાગ્રહ કરવાનો અધિકાર નથી ધરાવતો. પ્રજા તેના સાહસને વધાવી પણ નહિ લે. આ સેવા વિનાના તો આપણે લેભાગુ સેવક કે સત્યાગ્રહી ઠરીએ.

“પણ આવું અઘરું કામ અમે ક્યારે કરવાના ને રાજા ક્યારે સુધરવાના ? જુઓની તમારા જામસાહેબ. તમે તો અભિમાનપૂર્વક કહેતા: ‘જામસાહેબ જ્યારે રણજીતસિંહજી