પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય

છે જ નહિ અથવા પ્રજામાં કેવળ ખુશામતિયાઓ જ છે. ત્યાં રાજા બિચારા શું કરે ? તેમને તેમની ખોડ બતાવનાર, કડવું સભળાવનાર કોઈ ન હોય એટલે તેઓ છેક નિરંકુશ બને છે. અને તેમાં વળી તેમને સરકારની મદદ મળે એટલે પ્રસંગ તેમનો વેરી બને છે ને તેમની અવનતિ કરે છે. રાજઓનો જુલમ કેટલોક અણઘડ હોય છે એ ખરું. એ જુલમ આપણને ત્રાસદાયક લાગે છે, જ્યારે સરકારનો જુલમ સુધરેલો ગણાઈ એટલો અસહ્ય નથી લાગતો. વળી સરકારની સીધી સત્તા નીચે લોકમતની ને ઘણા સાથીઓની હૂંફ છે, જ્યારે દેશી રાજ્યોમાં હજુ થોડા જ માણસો હિમ્મતવાન નીકળે છે એટલે તેમને દબાવવા એ રાજાઓને સહેલું થઈ પડે છે. એમ છતાં હું માનું છું કે, જો વિનયવાન, નમ્ર, સુશીલ અને વિવેકદૃષ્ટિવાળા થોડા લોકસેવકો પેદા થાય તો રાજાએ તેમને નમશે, અને તેમનું એ નમન ડરને લીધે નહિ પણ ગુણને જ લીધે હશે.

રાજાઓ પ્રત્યે પ્રથમ વહેમથી જ શરૂઆત કરીએ, તેમનું બૂરું જ બોલવાનો વિચાર રાખીએ, સારું કઈ સાંભળવાની જ ના પાડીએ, એટલે આપણે પહેલેથી જ રાજાના ચોપડાના ઉધાર પાસામાં દાખલ થઈએ. પછી જમે પાસા પર ચડતાં બહુ પરિશ્રમ પડે.

આમાં કોઈ એમ ન સમજે કે હું ભીરુતાને ઉત્તેજન આપી રહ્યો છું. હું ઉદ્દંડતા અને નમ્ર નિર્ભયતા વચ્ચેનો ભેદ બતાવી રહ્યો છું. આંબો જેમ વધે તેમ નમે છે. તે જ રીતે બળવાનનું બળ જેમ વધતું જાય તેમ તેમ તે નમ્ર થતો જાય; તેમ તે ઈશ્વરનો ડર વધારે રાખતો થાય.

નવજીવન, ૮–૬–૧૯૨૪