પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


દેશી રાજ્યો વિષે

આ સુંદર દેશના રાજામહારાજાઓને વિષે મારી પાસે ઘણા કાઠિયાવાડીઓ ફરિયાદ કરે છે અને મારી શિથિલતાને સારું મને ઠપકો આપે છે. આ અધીરા મિત્રો કદાચ હવે સમજશે કે હું શિથિલ નથી પણ હું તો અવ્યવસ્થા મટાડવાના ઇલાજ શોધી ને યોજી રહ્યો છું. સ્વરાજની ચળવળમાં મેં સર્વસ્વ હોમ્યું છે તે એમ જાણીને કે તેમાં બધી આપત્તિઓને સારુ રામબાણ દવા છે. જેમ સૂર્ય ઊગતાં અંધકારમાત્ર દૂર થાય છે, તેમ સ્વરાજરૂપી સૂર્યનો ઉદય થયે રાજા પ્રજા બન્નેની અરાજકતારૂપી અંધકાર દૂર થશે જ.

પરદેશગમન

દેશી રાજ્યોની રાજનીતિ ઉપર આક્ષેપો થયા જ કરે છે. તેમાંથી આ નાનકડું કાઠિયાવાડ મુક્ત નથી. રાજામહારાજાઓને વિષે એક ફરિયાદ સર્વસાધારણ છે. દિવસે દિવસે યુરોપ જવાનો શોખ વધતો જાય છે. કામસર અથવા જ્ઞાન મેળવવા ખાતર વિલાયત જવું એ તો સમજી શકાય એવું છે, પણ મોજશોખને ખાતર જવું અસહ્ય જણાય છે. જે સંસ્થાનમાં રાજા ઘણો વખત બહાર રહે તે સંસ્થાનની સ્થિતિ દયાજનક બને છે. આ લોકસત્તાના અને વહેવારજ્ઞાનપ્રચારના યુગમાં જે સંસ્થાન કે તંત્ર લોકપ્રિય અને લોકકલ્યાણકારી નહિ હોય તેની હસ્તી ટકવાની નથી એ આપણે અનુભવી રહ્યા છીએ. આ ન્યાયમાંથી દેશી રાજ્યો મુક્ત રહી શકે તેમ નથી. તેની સરખામણી હમેશાં અંગ્રેજી રાજ્ય સાથે ને સ્વરાજ સ્થપાશે ત્યારે સ્વરાજની સાથે થવાની જ. શહેનશાહ જ્યૉર્જ પ્રધાનની સંમતિ વિના ઇંગ્લંડ છોડીને ક્યાંયે જઈ શકતા નથી. રાજ્યાસને