પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

આવ્યા પછી શહેનશાહ ભાગ્યે જ બહાર નીકળે છે, જોકે શહેનશાહની જવાબદારી દેશી રાજાઓના જેટલી હોતી નથી. દેશી રાજાઓ રાજ્યની લગામ પોતાને હસ્તક રાખે છે. નાની સરખી નિમણૂક પણ તેઓ જ કરે છે. એક પુલ બાંધવો હોય તેને સારુ પણ તેમની પરવાનગીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દેશી રાજાઓનું પરદેશગમન પ્રજાને બહુ અળખામણું લાગે છે.

આમ બહાર જવામાં જે ખરચ થાય છે એ પણ અસહ્ય છે. રાજાઓની હસ્તીનો આધાર જો નીતિ ઉપર હોય તો તેઓ સ્વતંત્ર માલિક નથી પણ પ્રજાના પૈસાના ટ્રસ્ટી — રક્ષક છે. તેઓની આવક પ્રજાની પાસેથી મળતી મહેસૂલ છે. એ મહેસૂલનો વ્યય જે રીતે ટ્રસ્ટી કરે તે જ રીતે તેમનાથી થાય. આ તત્ત્વનો અમલ અંગ્રેજી રાજ્યતંત્રમાં લગભગ સંપૂર્ણતાએ થાય છે એમ કહી શકાય, યુરોપમાં જતા રાજાઓ અઢળક ધન ખરચ કરે છે તેનો કોઇ બચાવ નથી એમ મારી અલ્પ મતિ સૂચવે છે.

આ પરદેશગમનના વધતા જતા શોખનો એક બચાવ એવો કરવામાં આવે છે કે રાજાએ શરીરસુખાકારીને અર્થે જાય છે! આ બચાવ તો કેવળ હાસ્યજનક ગણાય. આપણો આ મહાન દેશ, જ્યાં હિમાલય જેવો પર્વતરાજ અચલિત શાસન ભોગવી રહ્યો છે, જેની કૂખમાંથી ગંગા, જમુના, બ્રહ્મપુત્ર, સિંધુ આદિ મહાન નદીઓ નીકળે છે, તે દેશમાંથી શરીરસુખાકારીની શોધમાં કોઈને વિદેશ જવાની જરૂર હોય જ નહિ. કરોડો માણસો જે દેશમાં પોતાનું જીવન સુખેથી ગાળી શકે છે તે રાજાઓના આરોગ્યને સારુ બસ હોવો જ જોઈએ.