પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

છે તેટલે જ અંશે, અને વધુ વિચાર કરીએ તો વધારે અંશે, પ્રજા પોતે છે એમ આપણે જોઈશું. પ્રજામત અમુક કાર્યની વિરુદ્ધ હોય તો તે કાર્ય રાજા નહિ કરી શકે. પ્રજામતનું વિરુદ્ધ હોવું એટલે મનનો બણબણાટ નહિ. પ્રજામતનો વિરોધ ત્યારે જ દર્શાવાય કે જ્યારે વિરોધની પાછળ બળ હોય. પુત્ર પિતાના કાર્યની વિરુદ્ધ હોય ત્યારે તે શું કરે છે? વિરોધપાત્ર કાર્ય છોડી દેવાને સારુ તે પિતાને વીનવે છે એટલે કે વિવેકપૂર્વક અરજી કરે છે. અનેકવાર પ્રણિપાત કર્યાં છતાં જ્યારે પિતા નથી માનતો ત્યારે તે પિતાની સાથેનો સહકાર છોડે છે, એટલે સુધી કે પિતાનું ઘર પણ છોડે છે. આ શુદ્ધ ન્યાય છે. જ્યાં પિતા પુત્ર જંગલી હોય છે ત્યાં બેની વચ્ચે લડાઈ થાય છે, એકબીજા ગાળાગાળી કરે છે ને છેવટે મારામારી પર ઊતરે છે. સભ્ય ને આજ્ઞાંકિત પુત્ર મરણ લગી વિનયનો, શાંતિનો, અહિંસાનો, પ્રેમનો ત્યાગ કરતો જ નથી. તેનો પ્રેમ જ તેનો અસહકાર સૂચવે છે. આવા પ્રેમમય અસહકારને પિતા પોતે એાળખી શકે છે. પુત્રનો ત્યાગ કે વિયોગ તે સહન નથી કરી શકતો, તેનો અંતરાત્મા દુભાય છે, ને તે પશ્ચાત્તાપ કરે છે. હંમેશાં એમ જ બને છે એમ આપણે જોતા નથી. પણ પુત્રે તો અસહકાર કરી પોતાના ધર્મનું પાલન કર્યું.

આવા પ્રકારનો અસહકાર રાજા પ્રજા વચ્ચે હોઈ શકે. અમુક સંજોગો વચ્ચે તે પ્રજાનું કર્તવ્ય હોય. એવા સંજોગો ક્યારે આવ્યા કહેવાય ? ત્યારે જ કે જ્યારે પ્રજા સ્વભાવે સ્વતંત્ર અને નિર્ભય હોય; રાજ્યના કાનૂનોને તે સ્વેચ્છાએ, દંડના ભય વિના, સમજપૂર્વક માન આપે. રાજ્યના કાયદાનું સાદર વિવેકપૂર્વક પાલન એ અસહકારનો પ્રથમ પાઠ છે.