પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ


બીજો પાઠ તિતિક્ષા છે. રાજ્યના ઘણા કાયદા આપણને અગવડ પડતા લાગે. છતાં તેને આપણે સહી લઈએ. પુત્રને પિતાની ઘણી આજ્ઞાઓ ખૂંચતી હોય છતાં તે તેને માન આપી પોતાનું પુત્રત્વ સિદ્ધ કરી આપે છે. જ્યારે તે અસહ્ય લાગે, તે અનીતિમય લાગે, ત્યારે જ તેનો વિનયપૂર્વક નિરાદર કરશે. એવો નિરાદર પિતા તુરત સમજી શકશે. તેમ જ જે પ્રજા રાજ્યના અનેક કાયદાને માન આપીને પોતાની ઇરાદાપૂર્વક થયેલી વકાદારી સિદ્ધ કરી આપે તે જ પ્રજાને સાદર નિરાદરનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ત્રીજો પાઠ સહિષ્ણુતાનો છે. જેનામાં દુઃખ સહન કરવાની શક્તિ નથી તે અસહકાર ન કરી શકે. માલમિલકતના અને કુટુંબનાયે ત્યાગની શક્તિ જેણે કેળવી નથી તે કદી અસહકાર નહિ કરી શકે. અસહકારથી રાજા કોપાયમાન થઈ અનેક પ્રકારના દંડ દે એ સંભવિત છે. એમાં પ્રેમની પરીક્ષા રહેલી છે. એમાં ધૈર્યની અને વીર્યની કસોટી છે. એ સહન કરવા જે તૈયાર નથી તે અસહકાર ન કરી શકે. આ ત્રણે પાઠ એક બે વ્યક્તિ શીખી લે તેથી પ્રજા અસહકાર કરવા તૈયાર થઈ ન ગણાય. પ્રજાકીય અસહકાર થઈ શકવાને સારુ પ્રજાનો મોટો ભાગ તૈયાર હોવો જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં ન રખાય તો માઠાં પરિણામ આવવાનો પૂરા સંભવ રહે છે. આ વાત ધ્યાનમાં ન રહેવાથી કેટલાક સ્વદેશાભિમાની જુવાન અધીરા બને છે. જેમ બીજી કેળવણીને સારુ તેમ અસહકારની કેળવણીને સારુ પણ તૈયારીની આવશ્યકતા રહે છે. માત્ર ઇચ્છા કરવાથી કોઈ અસહકારી નથી બની શકતું. તેને સારુ તાલીમની જરૂર હોય છે. એ તાલીમ કાઠિયાવાડના