પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

નથી માગતો, એટલે તમારો મારા પ્રત્યેનો પ્રેમ દેશકાર્યમાં વપરાય તો જ તેનું શુદ્ધ પરિવર્તન છે. એટલે તમે આટલી કબૂલાત આપ્યા છતાં કાંઈ કામ નહિ કરો અને મને નિરાશ કરો તો કાઠિયાવાડનું શું થશે, એનો ખૂબ વિચાર કરજો.

ગઈ રાતે વિષયવિચારિણી સભામાં ઘણી વાતો તમે મારા ઉપર છોડી દીધી. તમે ઠરાવોનો મોટો ખરડો કરીને લાવેલા, એવી આશાથી કે પેટ ભરીને દુઃખનાં વર્ણન કરીશું, અને તે વર્ણનથી જ દુઃખ ઓછું કરીશું. પણ મેં તમને સલાહ આપી કે તમે વર્ણન કરવાનું છોડી તમારી શક્તિ કેળવતા થઈ જાઓ; અને તમે મારી સલાહ માની. એ સલાહ તમે માની તેનું કારણ એ નથી કે હું મોટો માણસ છું, પણ એ કારણ છે કે હું કામ કરનાર માણસ છું, હું અનુભવની વાત કરનાર માણસ છું. મેં તમને બીજો એક ઠરાવ નથી કરવા દીધો, રાજાઓની સામે તમારી ફરિયાદોની જાહેરમાં ચર્ચા નથી કરવા દીધી, બલ્કે તમારાં મોં બંધ કર્યાં છે, તેથી એમ ન સમજજો કે તેથી મેં મારું પણ મોં બંધ કર્યું છે અને હું હવે સૂઈ જવા માગું છું. તમને ચૂપ કરીને મેં મોટો બોજો વહોરી લીધો છે. હું સૂઈ જવા માગતો નથી, હું તો આખું વર્ષ કામ કરવા માગું છું. પણ મારા રસ્તા જુદા છે. તમને મેં જે સલાહ આપી છે તેમાં મનુષ્ય વિષે, અને તેથી જ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ વિષે મને વિશ્વાસ રહેલો છે તેનું દર્શન છે. અમૃતસરમાં મૉન્ટેગ્યુ સાહેબને ન વગોવવાની મેં સલાહ આપેલી તેમાં પણ તેનો અને રાજા જ્યૉર્જનો અવિશ્વાસ ન કરવો એ વાત રહેલી હતી. મેં તે વેળા કહેલું કે સુધારા લઈ લો, અને સુધારાની