પૃષ્ઠ:Divadi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી : ૩
 

તો જડ સૃષ્ટિ ક્ષણે ક્ષણે વાગ્યા કરવાની; જ્યારે ધનિક કલાકાર કલ્પનામાં બઢે ત્યારે જડ સૃષ્ટિ પણ મીણ જેવી સુકોમળ બની કલ્પનાને ઊંચે અને ઊંચે ઊડવા દે !

ધનિક યુવકો બનતાં સુધી પ્રેમની ખટપટમાં બહુ પડતા નથી. સરળતાપૂર્વક જ્યાં લગ્ન થાય ત્યાં થવા દેવું અને પછી પ્રેમને તોળવા જેટલો પૈસો ખર્ચી પ્રેમ મળે ત્યાંથી, મળે એટલો મેળવી લેવો એવું તેમનું વ્યવહારકૌશલ્ય કે ફિલસુફી તેમને અનેક સરળતાઓ કરી આપે છે. તેઓ પ્રેમને રણશિગાં ફૂંકવા જેવું મહત્ત્વ ઓઢાડતા નથી. પરંતુ રસિક તો કલાપ્રિય-સાહિત્યપ્રિય યુવાન હતો. ધનવાન હોવા છતાં ! કલાકાર, કવિઓ અને સાહિત્યકારો સરળતાપૂર્વક પોતાનાં લગ્ન ન જ થવા દે; એ તેમની વિશિષ્ટતા રસિકે સાચવી રાખી અને બેત્રણ કિશોરીઓનાં આવેલાં માગાં તેણે મુલતવી રાખ્યાં. એની કલ્પનાએ ઊભી કરેલી યુવતી સાથે તેને લગ્ન કરવું હતું, અને એ ત્રણે કિશોરીઓ તેના કલ્પનાબીબામાં બેસતી આવી ન હતી.

આવા ધનિક અને કલાપ્રિય યુવકને હવાફેરની વારંવાર જરૂર પડે એ સ્વાભાવિક કહેવાય. આબુ ન ફાવે તો માથેરાન, અને માથેરાન ન ફાવે ત્યારે મસૂરી જવાની સલાહ ડૉકટરો આપી શકતા. દરિયાની હવા ઠંડી પડે તો ડુંગરની હવા અજમાવી શકાતી; અને ડુંગરનાં પાણી ભારે પડતાં ત્યારે તેને માટે સપાટ મેદાનની જગા જોઈએ એટલી મળી આવતી.

કોલેજના છેલ્લા વર્ષમાં તે આવ્યો ત્યારે તેણે બે સુંદર નવલકથાઓ અને એક કવિતાસંગ્રહ પ્રસિદ્ધ કરી પ્રશંસા પ્રાપ્ત કરી હતી; પરંતુ ડૉકટરોએ એકાએક તેને માટે અભિપ્રાય આપ્યો કે તેનું લેખન અને ભણતર એકદમ એક વર્ષ માટે બંધ કરી દેવું ! એટલું જ નહિ, લેખન-વાચન અને અભ્યાસના વાતાવરણથી દૂર જઈ કોઈ શાંત, સારી હવાવાળા, મજબૂત પાણીવાળા ગામડામાં જઈને રસિકે રહેવું. તેમ નહિ થાય તો રસિકના જીવને જોખમ