પૃષ્ઠ:Divadi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : દીવડી
 

છે એમ પણ ડૉકટરોએ સ્પષ્ટ કહી દીધું. અતિ ઉર્મિલ, અતિ કવિત્વમય, અતિ રસપ્રિય યુવકને વ્યાધિ ઝડપથી પકડી લે છે. સાચા ખોટા પ્રેમનિસાસા નાખતા યુવક યુવતીનાં ફેફસાં જોતજોતામાં ખવાઈ જાય છે. પ્રેમ–પ્રેમ, રસ–રસ, સાહિત્ય-સાહિત્ય, કરતા યુવક રસિકને માટે પણ સહુએ ફેફસાંની સંભાળ ઉપર ભાર મૂક્યો. શરીર અને હૃદય કેટલાં નિકટનાં હશે?

માંદો રસિક ઉત્તર ગુજરાતના એક ગામડાંમાં રહેવા ગયો. એ ગામડાંમાં તેના પિતાએ એક સુંદર શિવાલય અને એક સગવડવાળી ધર્મશાળા વર્ષો પૂર્વે બંધાવી હતી, પરંતુ હજી સુધી તેમને કે તેમના કોઈ કુટુંબને એ ધર્મશાળામાં રહેવાનો કદી પ્રસંગ આવ્યો નહોતો. વર્ષો વીત્યે એ પ્રસંગ રસિકને આવ્યો. મહેનત ઓછામાં ઓછી કરવાની હતી; સગવડ સર્વ તરેહની થઈ શકી હતી. કારણ કે રસિકની સાથે એક નોકર અને રસોઈઓ રાખવામાં આવ્યા હતા. એક નાનકડું પુસ્તકાલય પણ તેની સાથે મોકલવામાં આવ્યું હતું અને નાનકડા ગામડામાં પણ રાજમહેલનો એક ટુકડો ઉતાર્યો હોય એમ ધર્મશાળા બદલાઈ ગઈ હતી. રસિકને ડોકટરોએ તો પગે ચાલીને ફરવા જવાની સલાહ આપી હતી, છતાં અડચણ ટાળવા માટે શહેરમાંથી ખેંચીને એક ઊંચી જાતની મોટરકાર પણ લઈ જઈ ધર્મશાળામાં રાખવામાં આવી હતી. સવાર-સાંજ ખેતરોમાં ફરવું, અતિમહેનત ન કરવી, મનની ઉગ્રતા ન વધે એટલું જ વાંચવું, ઘી-દૂધ-માખણનો ખોરાક વધારે રાખવો, મન ઉપર કશું ભારણ ન પડવા દેવું, ગામડિયા લોકો સાથે હળવું –મળવું અને પોતાની વિદ્વત્તા અને પોતાનાં ધનથી તેમને મેળવી લેવા, એવી એવી સૂચનાઓ અને કલ્પનાઓ સાથે રસિકે તબિયત સુધારવા ગામડાંની ધર્મશાળામાં રહેવા માંડ્યું.