પૃષ્ઠ:Divadi.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર વેચાણ : ૧૦૯
 

ચાંદીની ફ્રેમને ચોકઠાંને તેણે મારી સામે મૂકી દીધી. ફ્રેમ ખાલી હતી. એમાં કોઈ છબી ન હતી. ચાંદી તેમાં બહુ ન હોય, છતાં તેની કારીગરી બહુ સુંદર હતી. મારી પત્નીની એક નાનકડી છબી મેં એક સુંદર નાનકડી ફ્રેમમાં રાખી હતી. મારી ફ્રેમ કરતાં આ ફ્રેમ વધારે સારી હતી – કારીગરીમાં. એટલે મને વિચાર આવ્યો કે એ લઈ તેમાં મારી પત્નીની છબી મૂકી તે પાછી આવે ત્યારે તેને ચમકાવું તો કેવું? જીવનમાં ગમ્મતને સ્થાન છે જ,

'જુઓ સાહેબ ! આ એક ફ્રેમ છે. આપ એ રાખો અને આપને યોગ્ય લાગે એ કિંમત મને આપો.'

'નહિ, તમે પ્રસન્ન થાઓ એટલી મારે તમને કિંમત આપવી છે.'

'એમ? એની કિંમત આપે જાણવી છે? એની કિંમત નહિ અપાય તો?' બહુ ફિક્કુ હસીને તેણે મને પૂછ્યું.

મને ડર લાગ્યો કે કિંમત લેતાં આપતાં આ માનવી ઢળી ન પડે. એના અશક્ત દેહમાં જીવનતત્ત્વ હોય જ નહિ એમ મને લાગ્યું.

'હા હા, જરૂર કિંમત આપીશ. હું કાંઈ વેપારી નથી; છતાં ફ્રેમની તમે માગો એ કિંમત હું આપી શકીશ. એમાં ચાંદી કેટલી હશે?' મેં પૂછ્યું.

થાકપીડિત માનવીએ પાછું પોતાનું ભૂતિયું સ્મિત કર્યું અને મને કહ્યું :

'કિંમત...આમ તો લાખ રૂપિયા; પણ અત્યારે તેની કિંમત એક ટંકના જમણ જેટલી, એટલું આપશો તો મારે બસ છે. આ ફ્રેમ.' કહી તેણે ફ્રેમ મારી તરફ આગળ વધારી.

'તમે શું બહુ ભૂખ્યા છો ?' મેં પૂછ્યું.

'હા જી. એટલો ભૂખ્યો છું, કે મરવામાં પણ મોજ નથી આવતી. મોજ તો ઠીક, પણ મરવાની શક્તિ પણ રહી નથી. દેહને એક ટંક પોષી લઉં તો તેનામાં મરવાની પણ શક્તિ આવે.'