લખાણ પર જાઓ

પૃષ્ઠ:Divadi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : દીવડી
 


મેં એકદમ ઊભા થઈ મારી ચાદાનીમાંથી બીજા પાસે પડેલા પ્યાલામાં ચા કાઢી તેની સામે મૂકી, બિસ્કિટનો થોકડો અને બીજી વાનીઓ તેની પાસે મૂકી, અને તેને મેં કહ્યું :

'એટલા જ ખાતર તમારે ફ્રેમ વેચવાની જરૂર નથી. તમે એક વખત આ નાસ્તો કરી લો; પછી મારી પત્ની આવે એટલે હું તમને સારી રીતે જમાડું. એવા જમાડું કે જેથી તમને જીવન જીવવાની ઈચ્છા થાય.'

'નહિ, સાહેબ ! મને ખૂબ ભૂખ લાગી છે, એ વાત તદ્દન સાચી. કદાચ એ ભૂખમાં મારો પ્રાણ પણ છૂટી જાય એવી તમને જે બીક લાગે છે એ પણ સાચું; પરંતુ હું મરીશ તોપણ આપના કંપાઉન્ડમાં નહિ. આપને તકલીફ આપીને નહિ. માત્ર આપ એ ફ્રેમ ન લ્યો ત્યાં સુધી હું ચાનો છાંટો પણ મુખમાં મૂકું નહિ અને નાસ્તાનો કકડો પણ જમું નહિ. મફત જમનારો હું ભિક્ષુક નથી'

ફ્રેમ મેં મારી પાસે ખેંચી અને તેને ચા પીવા વિનંતી કરી.

મેં પણ તેની સાથે ચા પીવા માંડી, તેની જ સાથે નાસ્તો લેવા માંડ્યો અને ધીમે ધીમે તેને વાતમાં દોર્યો. મારી નજર તો આ વિચિત્ર વ્યક્તિ તરફ સતત હતી એટલે હું જોઈ શક્યો કે તેને ખરેખર ભૂખ તો લાગેલી હતી જ અને તેનો દેહ પણ ખરેખર પોષણ માગતો હતો. વચમાં વચમાં હું તેને વાતમાં દોરતો હતો અને તે કોણ છે તે તેની પાસેથી કઢાવવા માગતો હતો.

'કેટલા દિવસના ભૂખ્યા છો ?' મેં પૂછ્યું.

'પાંચેક દિવસ થયા હશે?' તેણે પ્રશ્નમાં જવાબ આપ્યો. જાણે તેને પોતાને જ પોતાના ઉપવાસી દિવસોની ખબર ન હોય !

'પાંચ દિવસના ઉપવાસમાં આટલું બધું શરીર ઊતરી ન જાય.' મેં તેને કહ્યું.

'વાત સાચી; પરંતુ એવા કેટલા યે પાંચ પાંચ દિવસો ઉપવાસમાં વીતી ગયા હશે ! પ્રત્યેક ઉપવાસે શરીર નબળું પડતું જ