પૃષ્ઠ:Divadi.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : દીવડી
 

થવાનો છે કે તે બન્ને દેશોને શું ફાયદો થવાનો છે એ પ્રશ્ન આપણે વર્તમાનપત્ર વાંચતી વખતે કદી કરતા નથી, છતાં વર્તમાનપત્રના વાચનનો રસ જીવનનો એક મહારસ છે; અને એમાં બાળકો ખલેલ પહોંચાડે એ અસહ્ય બની જાય છે. હું ગુસ્સાથી બૂમ મારતો :

'આ તારાં બાળકો બહુ જંગલી છે!'

'કેમ, શું થયું ? શું કરે છે બાળકો ?'

'જો ને, આ કેટલો ઘોંઘાટ કરે છે ? એક ઘડી જંપીને પેપર વાંચવા દેતા નથી.'

'બાળક છે, રડે પણ ખરાં ! અને ધાંધલ પણ કરે. જરા રમાડો તો ખરા કો'ક કો'ક દિવસ !'

પરંતુ બાળકો કરતાં વર્તમાનપત્ર મને વધારે વહાલું હતું એટલે બાળકો અને બાળકોની માતા પ્રત્યે મારો કંટાળો વધતો જતો હતો. બાળકો આમ નિત્યક્રમમાં ખલેલ પહોંચાડે; ઉપરાંત ઊંઘમાં પણ તેઓ ખલેલ પહોંચાડે ! શાન્ત, સ્વસ્થ નિદ્રા આવતી હોય, અને તેમાંથી હૃદયના ધબકારા વધારી દેતી ચીસ પાડી આપણને બાળકો જગાડે, એ બાળકો આપણને કેટલાં વહાલાં લાગે? અને બાળકોની માતાને તો જીવનમાં બાળકો સિવાય બીજું કંઈ જ હોય નહિ ! — મારી પત્નીની માફક સારું ભણેલી માતા હોય તોપણ ! બાળકનું રુદન એ માતાને મન વિશ્વયુદ્ધ જેવો મહત્વનો બનાવ ! બાળક કેમ રડ્યું ? તેને શું થયું હશે ? તેને શું જોઈતું હશે? એની ધમાલમાં એ આખી દુનિયાને વીસરી જાય. અને દુનિયા સાથે પોતાના પતિને પણ ! મિત્રોએ મારી પત્ની તરફનો મારો અણગમો ઊભો કર્યો હતો, એમાં બાળકોએ જન્મી એ અણગમામાં વધારો કર્યો.

બાળકો કંઈ સતત બાળકો રહેતાં નથી. બાળક જેમ જેમ મોટાં થતાં ગયાં, તેમ તેમ મને લાગવા માંડ્યું કે બાળકો બાલ્યાવસ્થામાં જ રહ્યાં હોત તો વધારે સારું ! બાળકોને શાળામાં મૂકો,