પૃષ્ઠ:Divadi.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ : દીવડી
 

જ આગળ લીધા.

કાયદાનો અમલ કરનાર સરકારી નોકર ઉપર હાથ ઉઠાવવો એ તો ગુનો ગણાય જ; પરતુ એક ગામથી બીજે ગામ સરકારી કામે જતા પોલીસનાં માણસોને આમ હેરાન કરવાં એમાં સરકારી કામે દખલ કર્યાનો ગુનો થાય છે, એમ પણ કોઈક સ્થળે કોઈક કાયદો છે.

માથે પેટી અને પથારી ઊંચકી પોલીસવાળાને જવું તો પડ્યું. પણ તેથી તેમને એમ લાગ્યું કે હિંદના પ્રમુખથી માંડી આખા રાજશાસનનું એમાં ભયંકર અપમાન થયું છે. બન્ને પોલીસ સિપાઈઓ નવા હતા. તેમણે લખપતની ચાલચલગત વિરુદ્ધ, તેના માથાભારેપણા બદલ, ચોરીઓમાં ભાગીદારી સંબંધી કંઈક કંઈક તપાસ કરી અને અંતે બીજું કાંઈ તો તેમને જડ્યું નહિ, પરંતુ લખપત આ બાજુનો એક માથાભારે માણસ છે, ચોર-લૂંટારાને ઓળખે છે અને કંઈ વખતે તે બહારવટિયો બની જાય તે કહેવાય નહિ એવી કારકિર્દીવાળો ભયંકર માણસ છે, એટલું નિવેદન તો તેમણે જરૂર કર્યું જ.

ગામેથી મુકામ ઉઠાવતાં ઊઠાવતાં પોલીસ સિપાઈઓને લખપતના એક બીજા ગુનાની પણ ખબર પડી. ગામમાં એક અપંગ વૃદ્ધ બાઈ હતી. ભૂખે મરતી એ બાઈને અનાજ આપી લખપત જિવાડી રહ્યો હતો એ હકીકત પોલીસના જાણવામાં આવી. સ્વતંત્ર હિંદમાં, નવા હિંદમાં યોગ્ય અમલદારની પરવાનગી વગર ભૂખે મરી જતા માણસને પણ અનાજ આપી જિવાડવો એ ભયંકર ગુનો બની જાય છે, અને ગુનો ન બનતો હોય, પણ તેને ગુનામાં ફેરવી શકાય છે. બિનઅધિકારે અનાજ આપનાર લખપત ગુનેગાર મનાયો. પોલીસનાં થાણાં અને કચેરીઓમાં તેને વારંવાર બોલાવવામાં આવ્યો. જવાબ લેનારાઓને યોગ્ય લાગ્યું તે પ્રમાણે તેના જવાબો લીધા અને અંતે તેની ઉપર ન્યાયની અદાલતમાં કામ ચાલ્યું. કામ ચાલવાની