પૃષ્ઠ:Divadi.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : દીવડી
 

પાસ શૂરો ભગત પોલીસ અમલદારોને પણ મળતો અને એક વરસ દિવસથી બહારવટિયાને પકડાવી આપવાનું ઝાંખું બિનજવાબદારીભર્યું પ્રલોભન પણ આપતો; તે એટલે સુધી કે અંતે રણવીરે પણ શૂરા ભગત ઉપર વિશ્વાસ રાખ્યો.

તળેટીમાં શૂરાના મંદિરે બે મોટરકાર આવીને એક દિવસે ખડી થઈ, જેમાં રણમલ પોતાની ટુકડી સહ આવ્યો. દિવસનો ત્રીજો પ્રહર હતો. શૂરાએ સાહેબને આવકાર આપ્યો અને પોલીસને તળેટીમાં જ રહેવાની સૂચના આપી, રણવીરને એકલાને ડુંગર ઉપર ચઢવા વિનંતિ કરી. રણવીરને એક ક્ષણ તો એમ લાગ્યું કે બહારવટિયાઓનો અતિવિશ્વાસ કદાચ ખતરનાક પણ નીવડે; છતાં રણવીરે હિંમત કરી. જીવના જોખમ વગર પોલીસની નોકરી ન જ થાય. તળેટીમાં ચુનંદા સિપાઈઓ મોટરમાં તૈયાર જ હતા અને એ ડુંગરમાં થઈને લખપત કે તેના સાથીદારો ભાગી જઈ ન શકે એમ ડુંગરની ચારે પાસ સિપાઈઓની ટુકડી રણવીરે છૂપી રીતે ક્યારની ગોઠવી દીધી હતી. જાતજોખમ વહોરીને પણ બહારવટિયાને મળવું અને લાગ મળે તો તેને પકડવો અગર ગોળીબારથી તેનો વધ કરવો એ તેણે આજ નિશ્ચય કર્યો હતો-કદાચ ને તેમાં પોતાનો ભોગ અપાય તોપણ.

રણવીર અને શૂરો અરધે ડુંગરે ચઢ્યા. શૂરાએ જામીનગીરી આપી હતી કે સાહેબને કાંઈ પણ ઈજા થાય તો પોતે પોતાનું મસ્તક પહેલું કાપી આપશે.

મધ્ય ડુંગરે એક નાનકડું શિવાલય હતું. તે શિવાલય આગળના ટેકરા ઉપર એક પાથરણા ઉપર ગાદી અને તકિયો પાથર્યા હતાં જેના પર વિવેકપુર:સર શૂરાએ રણવીરને બેસાડ્યો અને પછી એક ધીમી પરંતુ દૂર સુધી સંભળાય એવી બૂમ પાડી :

'લખપત !'

એકાંત ડુંગરમાં લખપતના નામની હાક કુમળા સંબોધનરૂપ