પૃષ્ઠ:Divadi.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : દીવડી
 

ઉપયોગ દર્દીઓની સારવાર ઉપરાંત સિપાઈઓની કામતૃપ્તિ અર્થે પણ કરવામાં આવે છે. જાહેરાત વાંચી હું જરા ચમક્યો. મેં પૂછ્યું:

' હા, એ જાહેરાત છે, પણ તું શું કહેવા માગે છે? લડાઈ આપણા દેશની નથી !'

‘એ તો હું જાણું છું. હજી આપણા દેશના પુરુષોનું પુરુષત્વ યુદ્ધ કરે એવી કક્ષાએ પહોંચ્યું નથી. હું તો એ પૂછવા માગું છું કે આ પરદેશના યુદ્ધમાં દાખલ થનાર પુરુષ સૈનિકને જે પગાર મળતો હશે તે આ પરિચારિકાઓના પગાર કરતાં વધારે હશે ખરો ?'

મને એ પ્રશ્ન બિલકુલ ગમ્યો નહિ. યુદ્ધ જતા એક સિપાહીની અને ઘવાયેલા સિપાહીની પાટાપટ્ટી બાંધતી પરિચારિકાની કિંમત એ સરખાવવા માગે છે કે શું ? મેં માત્ર એટલું જ કહ્યું :

'એ બન્નેનાં પગાર ધોરણો નક્કી જોઈ લાવીશ. પણ તું જ સમજી લે કે સૈનિક મરવા જાય છે, અને પરિચારિકા પાટાપટ્ટી બાંધવા જાય છે.'

એ વાત એટલેથી જ રહી, અને મેં સૈનિકોના અને પરિચારિકાનાં પગારધોરણો તપાસવાનો જરા યે પરિશ્રમ લીધો નહિ. લોકશાસનમાં ઘણી ઘણી બાબતો લોકથી છૂપી રાખવામાં આવે છે જેની લોકોને જ ખબર હોતી નથી.

એક દિવસ મારું શરીર અને મને ખૂબ પ્રફુલ્લ હતાં, તે વખતે વિલાસિનીએ મને કહ્યું :

'મારે અખિલ હિંદ સ્ત્રીમંડળની બેઠકમાં બેંગલોર જવું પડે એમ છે.'

હું રાજી થયો. ભણેલી ગણેલી સ્ત્રી કાંઈ પણ જાહેર કામ કરતી થાય તો સારું એમ મને લાગ્યા જ કરતું હતું, અને એમાં શિથિલતા જોઈ હું વિલાસિનીને રોજ ચીડવતો પણ હતો. મેં જવાબ આપ્યો: