પૃષ્ઠ:Divadi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮: દીવડી
 

અને તાજું માખણ લાવે નહિ ત્યાં સુધી રસિક ફરવા ન જાય. રસિકે એક દિવસ દીવડીને ચા પીવાનો આગ્રહ કર્યો. શરમાતાં શરમાતાં પણ દીવડીને એ આગ્રહ માન્ય કરવો પડ્યો; પરંતુ અર્ધ કાળા, ઓછા દૂધવાળા, તુરાશની છાંટવાળા ગરમ ગરમ પીણામાં તેને કંઈ સ્વાદ લાગ્યો નહિ અને સામી તેણે સલાહ આપી :

'ભાઈ ! આ કડૂચો ઉકાળો છોડી તાજુ દૂધ વધારે પીઓ ને ?'

'તું શહેરી નથી એટલે તને ચાનો સ્વાદ સમજાતો નથી. તું એક વાર શહેરમાં આવે તો ચા જિંદગીભર ગળે વળગે.' રસિકે હસતાં હસતાં કહ્યું.

'એવા શહેરમાં આવીને કરવું યે શું ? હેં, ભાઈ ! તમારા શહેરમાં શું હશે?'

પ્રથમ તો આ પ્રશ્ન સાંભળી રસિક ખૂબ જ હસ્યો. 'હજી હિંદમાં એક મોટી વસ્તી એવી છે કે જેણે હિંદનું એકે શહેર જોયું નથી !' હસતાં હસતાં રસિકે કહ્યું :

'તું શહેરમાં આવે તો પહેલવહેલી તો ચકિત જ થઈ જાય — ઘેલી ન થઈ જાય તો ! આખા આ ગામનાં ઝૂંપડાં ભેગાં કરીએ, એમાં આપણું આ મંદિર અને ધર્મશાળા ઉમેરીએ, તો ય શહેરના એક મકાનની બરોબરીએ એ આવે નહિ, માળ ઉપર માળ અને તેની ઉપર માળ !'

'તે ભાઈ ! માળ ઉપર ઢોરઢાંકને ચઢાવો શી રીતે? ઘરમાં ખડિયાટ બાંધતાં હશે?—'

'શહેરના ઘરમાં?'

રસિકને ફરી હસવું આવ્યું. આ છોકરીને શહેરનાં બાંધકામનો જરા યે ખ્યાલ હોય એમ દેખાયું નહિ. મુંબઈનાં મકાનોને ચોથે પાંચમે માળે ગાય ભેંસ ચઢાવવાનો ખ્યાલ કોઈ પણ શહેરીને હાસ્ય પ્રેરે. હસતાં હસતાં તેણે કહ્યું :