પૃષ્ઠ:Divadi.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ : ૧૬૭
 

બચાવનાર ગ્રામજનતાનું વીરત્વ યાદ આવ્યા વિના રહેતાં નથી. પૂરમાં પોતાનું રૂધિર રેડનાર કોઈ નગરશેઠ, કટાર લઈ પોતાનું મસ્તક ધરવા તત્પર બનેલો કોઈ ગરાશિયો, ઝાળથી પડેલા ચાઠાંને ચાંદ માનનાર કોઈ મિયાં, બેભાન બનતાં સુધી પાણી રેડતો કોઈ રોહીદાસ, અરે ! આગને શમાવતો કઈ નાગો બાળક અગર પતિને રુધિર રેડવા પ્રેરતી કોઈ પત્ની આજ નહિ મળી આવે શું?

એ નહિ મળે તો આગને ભડકે કે પાણીના પ્રલયમાં ભારતનું મંદિર આ..ડૂબ્યું જાણો !...

બન્ને પ્રસંગોએ આખું ગામ વીરરસથી ઊભરાયું હતું – જો કે મોટા ભાગને શસ્ત્ર પકડતાં કદી આવડ્યું ન હતું. વાર્તાનો નાયક કોઈ ન હતો – અગર એકેએક માનવી એનો નાયક હતો.

ભારતમાતાના મંદિરને બચાવવા સહુએ–પ્રત્યેક વ્યક્તિએ- નાયક બની વીરત્વપ્રવેશ કરવાની ક્ષણ આવી ચૂકી છે એટલું જ મને એ બે પ્રસંગો કહી રહ્યા છે.