પૃષ્ઠ:Divadi.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવર્ણાક્ષર : ૧૮૫
 

ખંડ ઉઘાડ્યો અને પોતાના હાથમાં લીધેલા માનપત્રના મિનારને ફરીથી ધારીને જોયો. સુવર્ણ અક્ષરો ઝાંખા કેમ પડ્યા? સુવર્ણથી લખેલો અક્ષર કેટલીક વાર ઊકલતો કેમ નહિ હોય ? ખંડમાં આછું હાસ્ય સંભળાયું. કોઈ સંતાઈ રહે એવો સંભવ તેને દેખાયો નહિ છતાં હાસ્ય તો બરાબર સંભળાયું જ. તેણે ધારીને જોયું તો સિક્કોઓના કબાટ પાસે એક વ્યક્તિ ઊભેલી દેખાઈ. ભય વગરનો ચમકાટ ચંદ્રકાન્તે અનુભવ્યો અને તેનાથી પુછાઈ જવાયું :

'તમે કોણ છો ?'

'હું એક સુવર્ણ પુરુષ છું.' સામે ઊભેલા માણસે જવાબ આપ્યો.

'સુવર્ણ પુરુષ? તમે માનવી નથી ?’ ચન્દ્રકાન્તે પૂછ્યું.

'માનવી હતો; પણ સુવર્ણ પુરુષ થયા પછી હું માનવી મટી ગયો છું.'

'તે તમે અહીં શું કરો છો ? તમારી અહીં શી જરૂર ?'

'હું અહીં તો કાંઈ કરતો નથી, માત્ર તપાસ કરું છું કે માનવી તરીકે હું કોણ હોઈશ...અને મારી જરૂર તો તમને લાગી છે. તમે મને આ કબાટમાં પૂર્યો છે.' ગંભીરતાપૂર્વક તે માણસે જવાબ આપ્યો.

'શી ઘેલી વાત કરો છો ? મને તમારી જરૂર ? હું તમને ઓળખતો નથી. અને તમે છુટા છો છતાં તમે કહો છો કે અમે તમને કબાટમાં પૂર્યા છે ! પોલીસને બોલાવું?'

'તેની હરકત નથી. હું પાછો મારા સિકકામાં ભરાઈ બેસી જઈશ.'

'સિક્કામાં ? કયા સિક્કામાં ? શી રીતે ભરાઈને બેસશો ?'

'આજ સવારે તમે એક સોનાનો સિક્કો પ્રાચીન કાળનો ખરીદ્યો છે, નહિ ? '

'હા. બહુ જૂના, કોઈને ન જડેલા એવા એક રાજવીનો એ સિક્કો હતો. એટલે તે સારી કિંમત આપી મેં ખરીદ્યો છે.' ચંદ્રકાન્તે