પૃષ્ઠ:Divadi.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : દીવડી
 

પહેલવાનનું પૂરું કરે એટલો કહી શકાય, છતાં એને મહેનત તો કશી જ કરવાની કે પડવાની નહિ. એને વાસીદું વાળવાનું નહિ, હાથે પાણી કાઢી નહાવાનું નહિ, કપડાં ધોવાનાં નહિ, જમવાનો પાટલો પણ હાથે લેવાનો નહિ અને સૂવા માટે પથારી કરવાની નહિ. એના પાટીદફતર પણ નિશાળે એક માણસ લઈને આવે. મારે તો આ બધું મારે હાથે જ કરવાનું હતું. ઉપરાંત કદી કદી માતાપિતાને કે ભાંડુઓને માટે એ કરવાનું હોય. આ ઉપરાંત નિત્ય રૂપમોહનને ઘેર એક વૈદ્ય અને એક ડૉકટર આવતા હતા. રૂપમોહન રમતો હોય તો પણ તેને રમતમાંથી પકડી જઈ વૈદ્ય-ડૉકટરની તપાસમાં રજુ કરી દેવામાં આવતો હતો. વૈદ્ય માત્ર તેની નાડી જ જોતા, પરંતુ ડૉકટર તો તેની છાતી, વાંસો, પેટ અને આંખ તથા જીભ તેને ઉથલાવી ઉથલાવીને જોતા હતા. ઘણી વાર તેને અણગમો આવતો છતાં તેનું આ તપાસકાર્ય તો ચાલુ જ રહેતું. વૈદ્ય તથા ડૉક્ટર પાછા તેને કાંઈ ને કાંઈ દવા આપતા, જે દવા પીતાં મેં ઘણી ય વાર રૂપમોહનને રડતો જોયો હતો. મને તો તાવ આવ્યો હોય તોપણ ઘરના ઉપચારથી તે મટી જતો, જો કે ઈશ્વરકૃપાએ મને બહુ તાવ આવતો નહિ, અને આવતો હશે તો તાવ આવ્યો એમ મને લાગતું પણ નહિ.

નિશાળમાં છોકરાઓ રૂપમોહનને બહુ ચીડવતા અને તેની મોટાઈ ઉપર બહુ મહેણાં મારતા. એમાં રૂપમોહનનો બહુ વાંક ન હતો. એની સુખી સ્થિતિ એને વધારે સાધનો અપાવે એમાં એ પણ શું કરે? પરંતુ એટલું તો ખરું જ કે એવાં સાધનો ન ભોગવી શકતાં બાળકો તેના પ્રત્યેની અદેખાઈથી અગર માત્ર રમૂજમાં તેના ઠીક ઠીક ચાળા પાડતા. રૂપમોહન નોકર પાસે દફતર ઉપડાવી જતો ત્યારે અમારા વિદ્યાર્થી ટોળામાંના કેટલાક છોકરાએ તેના ચાળા પાડી રૂપમોહન જેવું ચાલે અને પોતાનાં દફતર બીજાઓને આપી રૂપમોહનને ચીડવે. રૂપમોહનને માટે શાળામાં પણ ચા-નાસ્તો નોકર