પૃષ્ઠ:Divadi.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨ : દીવડી
 


'એ બધી ચબરાકીભરી દલીલો મને નવી નથી લાગતી. તું મુક્તિ મેળવી ચૂકેલો સાધુ હોય તો ય આવા વર્તનની ટીકા થયા વગર રહે નહિ.'

'હું સાધુ જરા ય નથી. લોકો માને એવો નીતિમાન પણ હું નથી.'

'એ જ બતાવી આપે છે તારે કાન્તા સાથે પરિચય સદંતર મૂકી દેવો ઘટે.'

'કારણ વગર ?'

'કારણ એટલું જ કે તમે પરાયાં સ્ત્રી-પુરુષ છો.'

‘તું જાણે છે, એ કાન્તા મારી ગુરુ છે તે !'

'એ વળી નવી વાત તું લાવ્યો ! બહાનાં રહેવા દઈ એમ જ કહે ને કે તારે તારી નફટાઈ ચાલુ રાખવી છે? આજથી આપણી મૈત્રી બંધ ! પરાઈ સ્ત્રીઓને ગુરુ બનાવવા બેઠો છે તે!'

'તું આમ ગુસ્સે ન થા. મને તું નહિ સમજે તો બીજું કોણ સમજી શકશે? કાન્તા ખરેખર મારી ગુરુ બની છે.'

'એનો ગુરુમંત્ર હશેઃ રૂપમાં રાચવું !' મેં વધારે તીખાશથી કહ્યું.

'ના, એણે મને બીજો જ ગુરુમંત્ર શીખવ્યો : પાપનું મૂળ ગરીબી ! '

અને આશ્ચર્યચકિત થયેલા મને એણે એક એવી વાત કહી કે જે હું જિંદગીભર ભૂલીશ નહિ.

પ્રફુલ્લને મેં નીતિમાન તરીકે પ્રથમ ઓળખાવ્યો હતો, ખરું ? કસોટીએ ચઢે ત્યારે ઘણા નીતિમાનોની નીતિ મુલાયમ બની જતી દેખાય છે. ધનનો લોભ જતો કરનાર બહુ ઓછા માનવીઓ આપણને મળશે. એથી યે ઓછા માનવીઓ કીર્તિલોભથી બચતા હશે, કીર્તિલોભથી બચનારામાં વળી સ્ત્રી સૌન્દર્યના આકર્ષણમાંથી ઊગરનારા