પૃષ્ઠ:Divadi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના : ૧૭
 

કલ્પના દોડ્યા કરે છે. ઘડીમાં સત્ય ખુરશી ઉપર બેસી જાય છે; ધડીમાં કલ્પના.

અચલ કવિ હતો – કહો કે સાહિત્યકાર હતો. કવિઓને હવે એકલી કવિતા લખે પરવડતું નથી. સત્ય એ કે એનો દેહ હતો હાડમાંસનું જ માળખું. પરંતુ એ કવિતા લખતો, વાર્તા લખતો; લેખ લખતો; એટલે એના નામની આસપાસ, એના દેહની આસપાસ, એના મુખની આસપાસ વાચકજનતાએ કલ્પનાના અનેક રંગો રંગી, અચલ જાણે એક મેઘધનુષ્યની કણકમાંથી બનાવેલો માનવી હોય એમ ધારી લેવા માંડ્યું, અને એમાંથી સોના નામની એક કિશોરી કે યુવતીએ તે એ રંગીન કવિ અચલને પોતાનું જીવન સમર્પી દીધુ.

જીવનસમર્પણનો અર્થ પત્ની બનવું ! નહિ? પત્ની બન્યા વગર સ્ત્રીથી જીવનસમર્પણ થાય જ નહિ એવી સૃજનજૂની માન્યતા હજી છેક જૂની બની ગઈ નથી. અચલને પણ એમાં કશી હરકત દેખાઈ નહિ. કવિની આંખને સ્ત્રી માત્ર સારી દેખાય છે, એટલે એ બિચારા કોઈ કોઈ વાર વગોવાય છે પણ ખરા; અને સ્ત્રી, આંખને દેખાય છે એવી જ સારી છે કે કેમ એની ખાતરી કરવા પોતાના પ્રત્યે આકર્ષાયલી કોઈ પણ સ્ત્રીને સંકેત-અવલંબનરૂપે વળગી તેનું પતિત્ત્વ કવિઓ પણ સ્વીકારી લે છે.

આમ અચલ અને સોના પતિ પત્ની બની ગયાં. બીજાઓ તો તેમને અભિનંદન આપે જ, શા માટે નહિ? જ્યારે જિંદગી જ જુગાર છે ત્યારે જિંદગીનાં મુખ્ય તત્વો પણ જુગારનાં જ પગલાં હોય ને ? તેમાં યે લગ્ન સરખો રોમાંચક જુગાર બીજો એકે ન જ હોય. લગ્નજીવનમાં સત્ય અને કલ્પના એકબીજેની પાછળ ખૂબ ઝડપથી દોડે છે, વાદ્ય પણ ઊંચામાં ઊંચા સપ્તકે પહોંચી વાગે છે,