પૃષ્ઠ:Divadi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : દીવડી
 

અને સત્ય તથા કલ્પના એકબીજાની સાથે ઝઘડી ઊઠી, અંચઈનો આરોપ પરસ્પર મૂકી એકબીજાંને ખુરશી ઉપરથી ઉઠાડી મૂકવાની ખેંચાખેંચી પણ કરે છે. લગ્નમાં કાન ફાડે એવાં વાજાં વગાડવાનો વર્તમાન રિવાજ બહુ જ ઉચિત – સૂચક છે. લગ્નમાં બનતું ઘણું ઘણું જોવા-સાંભળવા લાયક ન પણ હોય.

લગ્ન પછી થોડા માસ તો દંપતીજીવનમાં સ્વર્ગ ઊતરી આવે છે. પછી એ સ્વર્ગ નિત્યનું બની જાય છે, એટલે ચાલુ સ્વર્ગના ફરનિચર-કાટમાળમાં સુધારાવધારો અને ફેરફાર જરૂરી બની જાય છે. એક દિવસ સોનાએ પૂછ્યું :

'અચલ ! તું મારું નામ કેમ બદલતો નથી ?' ઘણી પત્નીઓ લગ્ન પછી પતિ પાસે પોતાનું નામ બદલાવવા ઈચ્છે છે.

‘શા માટે બદલું ? આવું સરસ નામ છે ને?' અચલે કહ્યું.

'શું સરસ? સોના તે કાંઈ નામ છે? જૂનું પુરાણું.'

'સોનેરી શરીર, સોનેરી સ્વચ્છતા, સોનેરી ચમક. નામ કોઈને પણ શોભતું હોય તો તેને જ શોભે છે. સોના...! બોલતાં જ હૈયું હલી જાય છે.' અચલે કહ્યું.

'મારા મનમાં કે તું કવિ કે લેખક છે એટલે મારું નવું નામ પાડીશ. અલકનંદા, બકુલાવલી, ઉન્મેષા, પદ્મજા.. કે એવું કાંઈ...'

'નહિ, નહિ, નહિ. બે અક્ષરનું નામ હોય તે કોઈએ બદલવું જ નહિ. કાદંબરીના આખા વાક્ય જેવડું નામ હોય તો ય અંતે તેને બે અક્ષરી જ બનાવવું પડે. મારું જ નામ તું કેવું બગાડી મૂકે છે?...બે અક્ષરમાં લાવવા માટે?'

સોનાનું નામ સોના જ રહ્યું : પતિ કવિ અને લેખક હોવા છતાં !

દિવસો તો વહ્યા જ જાય ! સમય સર્જાયો જ છે પસાર થવા માટે. એમાં બને ઘણું ઘણું; પણ આપણને બનાવોની ખબર જ ઓછી પડે. કવિતા લખવા છતાં કવિઓ પિતા પણ બની શકે છે એ ભૂલવા સરખું નથી.અચલ એક પુત્રીનો પિતા પણ બની ચૂક્યો,