પૃષ્ઠ:Divadi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : દીવડી
 

વર્ગની મુસાફરીની સગવડ આપી શકે. તુલના કરતાં સોનાના હૃદયમાં સતત પ્રશ્ન ઊઠતો: શું સારું ? સાહિત્યપ્રતિષ્ઠા કે સગવડભર્યું વાતાવરણ? ગરીબી કે ધન ? ધનની તરફેણમાં ઘણી વાર તુલા નીચે નમતી. સફળ સાહિત્યકારને પતિ તરીકે સ્વીકારવાને બદલે એક સફળ ધનપતિને કે એક સફળ અમલદારને તે પરણી હોત તો વધારે સારું થાત એમ ઝાંખી, ભૂંસી નાખવાપાત્ર ભાવના કોઈ કોઈ વાર તેના હૃદયમાં તરી આવતી ખરી.

અચલે એક વીરરસભરી વાર્તા લખી. વાચકો એ વાર્તા ઉપર ફિદા થઈ ગયા. યુવતીઓએ તેના ફોટોગ્રાફ મંગાવ્યા, હસ્તાક્ષર માગ્યા અને અનેક યુવકો અચલ તરફ આંગળી ચીંધી તેને ઓળખવા-ઓળખાવવા લાગ્યા. વિવેચકોએ પ્રશંસા વર્ષાવી અને એક સંસ્થાએ અચલને ઈનામ પણ આપ્યું–જેની કિંમતમાંથી ચાર માસની ચા પણ ન નીકળે ! સાહિત્યકારોને મળતાં ઇનામ માત્ર સંકેત રૂપ જ હોય છે.

સોનાને આ પ્રતિષ્ઠા ગમી ખરી; પરંતુ એ પ્રતિષ્ઠા તેને ભાગ્યે જ દુનિયાની એકાદ સગવડ પણ આપતી હોય. અચલની પત્ની તરીકે તેને નમસ્કાર ઠીકઠીક મળતા, સભાઓમાં આગળ બેસવાનો આગ્રહ પણ તેને થતો. ત્રીજા વર્ગની મુસાફરીમાં કોઈ ભણેલી, અર્ધભણેલી અચલના નામને ઓળખતી સ્ત્રી હોય તો બેસવાની જગા કરી આપે. કદી યુવકયુવતીવૃંદ અચલની પત્ની તરીકે આશ્ચર્ય ભાવથી તેને નિહાળી પણ રહે તેથી વધારે સાહિત્યકારની પત્નીને શું મળી શકે?

સોના ખરેખર એક સત્‌પત્ની હતી. સાહિત્યકાર પતિની આસપાસ એણે ઊભી કરેલી કલ્પનાના રંગ ફટકી જતા હતા. અને સત્ય એટલે સાહિત્ય તથા સાહિત્યકાર માટે તિરસ્કાર કે અણગમો તો નહિ; પરંતુ એક પ્રકારનું છાપણું–લઘુતાગ્રંથિ તેના હૃદયને કોર્યા કરતી હતી એમાં જરા ય સંદેહ નહિ. છતાં અચલને તે દુઃખ દેતી હતી એમ કહેવું સોનાને અન્યાય કરવા બરાબર ગણાય. માત્ર