પૃષ્ઠ:Divadi.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાઘડી વગરનું ઘર : ૩૭
 


મશ્કરીભર્યું આશ્વાસન આપનારને ધોલ લગાવી દેવા ઊપડેલા હાથને અટકાવી કાંઈ પણ બોલ્યા વગર તેણે આગળ ડગલાં ભર્યા.

'આ મુંબઈ?' તેના હૃદયમાં આખા મુંબઈ માટે સખત તિરસ્કારની જવાલા પ્રગટી ઊઠી. એની નજરે પડતું એકેએક ઘર તેને તોડી પાડવા યોગ્ય લાગ્યું. ક્રોધે એના ભાનને પણ ભૂલાવ્યું. એના પગ ઊપડતા ઊપડતા ક્યાં જતા હતા તેનું પણ એને જ્ઞાન રહ્યું નહિ. હવે તેને યાદ આવ્યું કે મુંબઈમાં હજારો માનવીઓ સડક ઉપરના પગરસ્તા ઉપર પડી રહે છે એમ તેણે ઘણી વાર વાંચ્યું હતું. વાંચતી વખતે એ હકીક્ત વાંચીને ભૂલી જવા જેવી લાગી હતી. આજ એ સત્ય તેને હસતું તેની સામે ઊભું રહ્યું... અને તે એની નજર આગળથી ખસતું ન હતું.

નોકરી છોડી મુંબઈની બહાર ભાગી જવાની તેને વૃત્તિ થઈ આવી. પરંતુ ભણેલા ગરીબ અને મધ્યમવર્ગીય યુવકો નોકરી છોડે તો બીજુ કરી શું શકે? બીજાઓના આપેલા કે બીજાઓએ ટેકવેલા પગ ઉપર ઊભા રહેનાર સ્વસ્થ અને સુખી માનવીઓ સારી રીતે કહી શકે કે યુવકોએ પોતાના પગ ઉપર ઊભાં રહેતાં શીખવું જોઈએ. એ કહેનારાઓ કિશોરની સ્થિતિમાં મુકાય તો? આખા મુંબઈના મહેલો, માળાઓ, બંગલાઓ, વીલાઓ, ફ્લેટો, ફ્લેટો અને કુટિરોને ફૂંકી સળગાવી મૂકવામાં આવે તો ઘર વગર ફરનારની હાલતનો સહુને ખ્યાલ ન આવે ? એ સમાજરચના કેવી કે જેમાં માનવીને ઘર ન મળે? એ સમાજના ઘડવૈયા કેવા કે જે માનવીને એક ખૂણો પણ રહેવા માટે આપી શક્તા નથી ? એ વહીવટદારો અને અમલદારો જે પારકાં ઘર પડાવીને પણ રહેવાની સગવડ મેળવી શકે છે તેમને એક એક અઠવાડિયું જ ઘર વગર રહેવાની સજા કરી હોય તો મુંબઈની ઘરસમસ્યા જરા વહેલી ન ઊકલે?