પૃષ્ઠ:Divadi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માંદગી કે પાપ? : ૫૫
 

નવાઈ નહિ. તેના પોતાના મનથી પણ તેનું મહત્ત્વ વધી ગયું હતું જ. પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થી સામે આખી દુનિયાએ હાથ જોડી ઊભા રહેવું જોઈએ એ ખ્યાલ તેના મનમાં વધારે અને વધારે સ્પષ્ટ થતો જતો હતો.

સાથે સાથે તેને એ ખ્યાલ પણ આવવા માંડ્યો કે તેના સરખો તેજસ્વી વિદ્યાર્થી જે યુવતી તરફ નજર નાખશે તે યુવતી તેની સાથે કાંઈ પણ પૂછ્યાગાછ્યા વગર એકદમ પ્રેમમાં પડી જશે. રસિક જાતે તોફાની ન હતો, અને તોફાની છોકરીઓ તેને બિલકુલ પસંદ ન હતી, પરંતુ તેને પોતાને પોતાના વર્ગમાં ભણતીએક તોફાની યુવતી ગમી ગઈ. એનું નામ રંજન.

પ્રેમપ્રકાશનને, એટલે પ્રેમ-publicity–જાહેરાતને સમયાનુંકૂળ માર્ગ મળે છે. કૉલેજો ન હતી ત્યારે પણ કૂવા, તળાવ, નદીનાં એકાંત, બાગબગીચા કે મંદિરધર્મશાળાઓ પ્રેમપ્રકાશનનાં ઠીક ઠીક સાધન આપી રહેતાં હતાં. કૉલેજમાં પ્રેમપ્રકાશનનાં વધારે સાધનો મળી આવે. અભ્યાસની પૂછપરછ ચોપડીઓ તથા ‘નોટ્સ’ની આપ-લે. યુનિયનમાં મત મેળવવા માટેનું પ્રાથમિક શિક્ષણ, ભેગાં મળતાં 'જયહિંદ' અને પાછા વળતાં ‘વંદેમાતરમ્': એ બધાં સાધનો ભણતાં યુવકયુવતીઓમાં પ્રેમપ્રદર્શનની ડોકા બારીઓ બની જાય એ સહજ છે.

આવી એક ડોકાબારીમાંથી તેણે તેની યુવતી રંજન પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો. ઊંચી કક્ષાના વિદ્યાર્થી પ્રત્યે સહુને માન હોય એ સ્વાભાવિક ગણાય; પરંતુ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીને કૉલેજની પ્રત્યેક છોકરીએ પ્રેમ કરવો જ જોઈએ એવો નિયમ હજી ઘડાયો દેખાતો નથી. પરીક્ષકને મન પહેલો આવે એવો માનીતો રસિક રંજનને પ્રેમાર્પણ માટે પહેલો લાગે એવો દેખાયો નહિ; એટલે શરૂઆતમાં વિનયવિવેકથી અને આગ્રહ થતાં મશ્કરીતોફાનથી રંજને રસિકને જણાવી દીધું કે તે રંજનની પરીક્ષામાં પ્રથમ નંબરે તો નહિ