પૃષ્ઠ:Divadi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : દીવડી
 

ઊજળીના મૃત્યુનું સત્ય હજી સ્વીકાર્યું ન હતું. એ સત્ય માટે સાધુનાં હૃદયકપાટ બંધ થઈ ગયાં હતાં. જે ઘેર ઊજળી ઘણું ખરું બેસતી એ ઘરનાં માણસો રાત્રે જમવાની તૈયારી કરતાં હતાં અને પંચમગીરે બારણું ઠોક્યું. બારણું ઊઘડ્યું અને અંદરથી કોઈએ કહ્યું :

'આવો આવો, બાવાજી ! અત્યારે ક્યાંથી ? ચાલો, અમારી સાથે જમી લો.'

'ઊજળી અહીં જ આવી છે, નહિ? સમજાવીને એને મારી સાથે મોકલો ને? બહુ વાર કરી એણે !'

'ઊજળી ? પંચમગીર ! હવે ઊજળી ક્યાંથી આવે ?'

'લ્યો ! જરાક જેટલા ઝઘડામાં, આટલી બધી રીસ હોય !...ઘરડે ઘડપણ...! જરા કહો ને કે મને મુખ બતાવી જાય?' પંચમે કહ્યું.

વૃદ્ધ પંચમની આ સ્થિતિ નિહાળી સાંભળનારનાં હૃદય ચિરાઈ ગયાં. મહામુશ્કેલીમાં તેમણે પંચમને ઘરબારણેથી વિદાય કર્યો.

ઘરનો ખૂણેખૂણો બતાવી પંચમગીરને તેમણે ખાતરી કરી આપી કે એ ઘરમાં તો ઊજળી હતી જ નહિ.

'ત્યારે એ જાય ક્યાં?... કેટલી વાર ? શોધ્યા વગર સૂવાનો નથી. આખી જિંદગીભર ગુસ્સે ન થઈ, અને આજ આટલો બધો મમત ?...રાત્રે ક્યાં જવાની છે?' કહી પંચમે પોતાની ધર્મશાળાનો માર્ગ લીધો. પહોંચતાં પહોંચતાં તેણે ભ્રમણામાં ત્રણ-ચાર વાર ઊજળીને બૂમ પાડી, જેનો પડઘો નદીના બંને કિનારાએ ઝીલ્યો !

ફકીરે સામે આવી પંચમને ફળ ખવડાવ્યાં. ખાવામાં તેનું ચિત્ત જ ન હતું. પચાસ-પંચાવન વર્ષથી તેને સતત સાથ આપી રહેલી તેની પત્ની વગર ભોજનમાં તેને સ્વાદ આવતો ન હતો. ભોજનમાં તો સ્વાદ ન આવે; પરંતુ જીવનમાંથી યે તેનો સ્વાદ ઓસરી ગયો હતો. ઊજળીને જોવી હતી, એને મળવું હતું, એની પડખે બેસવું હતું. એટલું જ પંચમને માટે જીવનકાર્ય બાકી રહ્યું હતું.