પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૪ ]


હું છોકરાએાને દરરોજ કાંઈ નવું નવું જોઈ જવા કહેવા લાગ્યો. મેં કહ્યું: “તમે જે જે ગામે આજ સુધી જોયાં હોય તે ખોળી કાઢો. ત્યાં કયે કયે રસ્તેથી જવાય છે તે જુઓ. રસ્તામાં કઈ કઈ નદીઓ આવે છે, કયાં કયાં ગામો આવે છે તે પણ જુઓ.”

આ એક રીત થઈ. બીજી બાજુએ હું આફ્રિકા જોઈ આવેલો એટલે આફ્રિકાનો નકશો સામે રાખીને હું આફ્રિકાની વાતો કરવા લાગ્યો. મેં વિક્ટોરિયા ન્યાન્ઝા, ટાંગાન્યિકા, ઝાંબેસી, નાઈલ અને આફ્રિકાના સિંહો અને હાથીઓ ને ત્યાંના લોકો-મસ્સાઈ ને કોવીરોન્ડોની વાત કહી. પછી એક દિવસે મેં તેમને કહ્યું: “આ આપણી આજુબાજુના લોકો કોળી, કુંભાર, ભરવાડ, રબારી વગેરે છે એને તો જોવા જાઓ.” વળી એમ કહીને તે દૃષ્ટિએ એકબે પ્રવાસો તેમની સાથે ગામડામાં, સીમમાં, નદીકિનારે, ડુંગરા ઉપર એમ મેં ગોઠવ્યા અને તેમને ભૂતળના અભ્યાસ તરફ અભિમુખ કર્યા.

પછી મેં તેમને માટે ભૂગોળનું એક વાચનાલય વસાવવાનો વિચાર કર્યો; પણ તેવા સુંદર પ્રવાસોનાં પુસ્તકો આપણી ભાષામાં ન મળ્યાં. જે મળ્યાં તે તેમને આપ્યાં અને કહ્યું: “પુસ્તક વાંચતા જાઓ અને નકશો જોતા જાઓ. માણસ ક્યાંથી કયાં જાય છે તે જુઓ અને તેની સાથે ફરો.”

પ્રવાસના ગ્રંથો વિદ્યાર્થીઓને વાંચવા ગમે છે. એકબે વિઘાર્થીઓને કાઠિયાવાડ સર્વસંગ્રહમાં બહુ મજા પડી. નક્શા ઉપરથી એક ગામડું પસંદ કરે અને તેની હકીકત સર્વસંગ્રહમાંથી વાંચે. એમ કેટલાં યે જાણીતાં અજાણ્યાં ગામ વિષે માહિતી મેળવે. રવિભાઈનાં ચિત્રાએ અમદાવાદનો તેમને સારો પરિચય કરાવ્યો. દરેકેદરેક અગત્યના સ્થળનાં એવાં ચિત્ર-આલ્બમો હોત તો સારું થાત. એક દિવસ રવિભાઈ આવ્યા અને તેમની પાસે