પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૬]


નદીઓનાં નામોની તો કોઈ વાર પર્વતોનાં નામેાની, કોઈ વાર દેશોનાં તો કાઈ વાર શહેરોનાં નામોની એમ ભૌગોલિક વસ્તુનાં અને ભૌગોલિક સ્થળનાં નામોની અંતકડી ચલાવતા. ચિત્રકામમાં વિદ્યાર્થીઓ ઝાડ ચીતરતા તેમ નકશાઓ ચીતરવાનો રસ લેતા અને પોતે ચીતરેલા નક્શામાં પોતે જ જોયેલાં, વાંચેલાં તથા સાંભળેલાં ગામો, નદીઓ ને ડુંગરા પૂરતા; ને વધારે પૂરવા માટે નવાં ગામો ક્યાં છે અને ક્યાં આવ્યાં તે ભૂગોળમાંથી વાંચીને જોતા. આ રીતે અમારું ભૂગોળનું શિક્ષણ ચાલતું.

મારા શિક્ષકભાઈએાએ મને એક દિવસ કહ્યું: “ભાઈ, આ કામ તો તમારું. આટલી બધી હકીકતો અમારે ક્યાંથી જાણવી ! આવી રીતે અમને ભૂગોળની વાતો કરતાં ન આવડે.”

મેં કહ્યું: “ભાઈ, એ પણ આવડે. આપણે જરા ઉદ્યોગ કરવો જોઈએ. આપણામાં ઉત્સાહ હોવો જોઈએ.”


: ૫ :

વાર્ષિક પરીક્ષાનો વખત નજીક આવતો હતો. હું મારા કામનો હિસાબ લેતો બેઠો હતો. હું ગણિતનો હિસાબ લેવા બેઠો. આજ દિવસ સુધી મેં ગણિત હાથમાં લીધું જ ન હતું એમ નહિ પણ એની વાત આજે જ કરવાનું મન થાય છે. મેં જ્યારે મારા વર્ગના છોકરાઓને તેઓ ગણિતમાં કેટલું જાણે છે તે તપાસવા માટે થઈ ગયેલા અભ્યાસમાંથી દાખલા લખાવ્યા ત્યારે તેએાએ ગણી આપ્યા. પ્રથમ તો મને થયું કે આમાં તો બધા બરાબર છે; અને સારું થયું કે જે વિષયમાં હું કાંઈ ખાસ નવું કરી બતાવી શકું તેમ નથી તે વિષયમાં વિધાર્થીઓ ઠીક છે. પરંતુ ધીરેથી મેં દાખલાની પાછળ રહેલો તર્ક પૂછ્યો, રીતનું કારણ પૂછયું ત્યારે અંધારું માલૂમ પડ્યું. મને લાગ્યું કે વિદ્યાર્થીઓને સરવાળા, બાદબાકી વગેરે આવડે છે પરંતુ તે જ્ઞાન પોપટિયું અને યંત્રવત છે. હું વિચાર