પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૭]

કરવા લાગ્યો: “આનું શું કરવું ?” મને મૂંઝવણ થવા લાગી. એક તો ગણિતનો વિષય મને એટલો બધો પ્રિય નહિ; એના શિક્ષણમાં થતા દોષો હું સમજું પણ તે કેમ દૂર થાય તેની શોધ મેં કરેલી નહિ. આવે વખતે મારે કેમ કરવું એ પ્રશ્ન આકરો હતો. હું વિદ્યાધિકારી પાસે ગયો ને સીધેસીધું કહ્યું: “સાહેબ, આ ગણિતના વિષયમાં હું કંઈ નવું કરી બતાવી આપી શકીશ નહિ. હા. છોકરાઓને સારી રીતે સમજાવીને તેમને ભણાવીશ અને અભ્યાસક્રમ પૂરો કરાવીશ.”

વિદ્યાધિકારી કહેઃ “એમ કેમ ? શું, એમાં ફેરવવા જેવું કંઈ નથી !”

મેં કહ્યું: “હા જી, છે, પણ તે ફેરફાર પાયામાંથી થવા જોઈએ. બાળકને ગણતાં શીખવવાના સમયથી જ તેની સામે યોગ્ય પદ્ધતિ આપવી જોઈએ. ગણિત એવો વિષય છે કે જો એક વાર તર્કથી તે મનમાં ન ઠસ્યો તો કાયમને માટે તે પાંગળો જ રહે છે."

વિદ્યાધિકારી કહે: “પણ તમે પહેલેથી જ માંડીને ગણિત કરાવો તો ?”

મેં કહ્યું: “પણ તે માટે વખત ક્યાં છે ! વળી હોય તોપણ આ વિદ્યાર્થીઓ કે જેઓને યંત્રવત્ કામ કરવાની ટેવ પડી છે, જેઓ ગણિતમાં કારણ પૂછતા જ નથી ને ગણ્યે જ જાય છે, તેમને રસ્તે લાવવું આકરું છે - ઘણું આકરું છે.”

વિદ્યાધિકારી કહેઃ “પણ ત્યારે આ છોકરાઓનું ગણિત......”

મેં કહ્યું: “એમ તો હું બને તેટલું સારું કરીશ; પણ મારે એટલું જ કહેવાનું કે એમાં જે કાંઈ અખતરા શક્ય છે તે બતાવી ન જ શકાય.”

વિદ્યાધિકારીએ કહ્યું: “ધારો કે તમને પહેલેથી જ એક વર્ગ આપીએ તો તેના ઉપર તમે અખતરો કરો કે નહિ ?”