પૃષ્ઠ:Divasvapna.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩ ]

વિચારી લીધું. પહેલે દિવસથી તે છેલ્લા દિવસ સુધીના કામનો મનમાં જાણે કે આલેખ થઈ ગયો. પરીક્ષા અને તેના પરિણામના દિવસો પણ જોઈ લીધા. અંતે વર્ષ આખું આવી રીતે ચાલશે, આવું કામ થશે ને આવું પરિણામ આવશે તેના ઘોડા ઘડાઈ ગયા. વિચારોમાં ને વિચારોમાં રાતના બે ક્યારે વાગ્યા તેની ખબર પણ ન પડી ! છેવટે આવતી કાલે શું કરવું તેની નોંધ કાગળ પર ટપકાવી ત્રણને ટકોરે સૂતો.

સવાર પડ્યું. ઊત્સાહ હતો; શ્રદ્ધા હતી; વેગ હતો. નાહીધોઈ અલ્પાહાર કરી વખતસર ત્રીજા નંબરની શાળાએ જઈ પહોંચ્યો. હજુ શાળા ઊઘડી ન હતી. અમારા હેડમાસ્તર આવ્યા ન હતા. પટાવાળો તેમને ત્યાં ચાવી લેવા ગયો હતો. છોકરાઓ આવતાજતા હતા અને સડક પર દોડાદોડ કરતા હતા. મને થતું હતું કે “ક્યારે શાળા ઊઘડે ને ક્યારે વર્ગ હાથમાં લઉં ને કામ કરવા માંડું ? ક્યારે મારી નવી યોજના રજૂ કરું ? ક્યારે વ્યવસ્થા ને શાંતિ દાખલ કરું? ક્યારે રસિક રીતે પાઠ સમજાવું ? ક્યારે છોકરાઓનાં મન હરી લઉં ?” મારા મગજમાં લોહી ઘણું ઝડપથી વહેતું હશે.

ઘંટ થયો. છોકરાઓ વર્ગમાં ગોઠવાયા ને હેડમાસ્તરે મારી સાથે આવી મને મારો વર્ગ બતાવ્યો, અને છોકરાઓને કહ્યું: “જુઓ, આ લક્ષ્મીરામભાઈ આજથી તમારા માસ્તર છે. તે કહે તેમ કરજો. તેમની આજ્ઞા માનજો. જોજો, કોઈ તોફાન ન કરતા.”

હેડમાસ્તર કહેતા હતા તે વખતે હું મારા બાર માસના સાથીઓ સામે જોઈ રહ્યો હતો. કોઈએ મેાં મલકાવ્યાં; કોઈએ બાડી આંખ કરી મીંચકારો કર્યો; કોઈએ અકડાઈથી ડોકાં હલાવ્યાં; કોઈ મારી સામે આશ્ચર્ય અને મશ્કરીથી જોઈ રહ્યા; કેાઈ વગર સમજ્યે ઊભા જ હતા.